અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં ભયાનક બનાવ બન્યો. ધોરણ 10માં અભ્યાસ કરતા 15 વર્ષના વિદ્યાર્થી પર તેના જ સ્કૂલના ધોરણ 9ના વિદ્યાર્થીએ છરી વડે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત થયું છે. વિદ્યાર્થીના મોત બાદ ગુસ્સે ભરાયેલા સિંધી સમાજના લોકોએ મોટી સંખ્યામાં શાળાએ પહોચ્યા અને તોડફોડ કરી હતી.
ગુસ્સે ભરાયેલા લોકોનું ટોળું શાળામાં ઘુસ્યા બાદ સામે જે મળ્યું તેને માર માર્યો. પાર્કિંગમાં પડેલા તમામ સાધનો પર ભારે તોડફોડ મચાવી. તોડફોડ મચાવ્યા બાદ એક સ્ટાફની બોચી પકડી તેને ઉપરના માળે લઇ ગયા. એટલું જ નહિ પરંતુ પ્રિન્સિપાલ અને અન્ય સ્ટાફ સામે મળતા તેમને પણ માર માર્યો અને શાળાની મિલકતને નુકસાન પહોચાડ્યું. સ્થિતિ ગંભીર થતા પોલીસ પણ શાળાએ પહોંચી આવી હતી.
લોકોના ટોળાએ પોલીસની હાજરીમાં પણ સ્ટાફને માર માર્યો હતો. સ્થિતિ એટલી ભયાનક બની ગઈ હતી કે પોલીસ સ્ટાફને બચાવીને લઈ જતી હતી ત્યારે પણ ટોળું માર મારતું હતું અને પોલીસની ગાડી પણ ટોળાએ ઉંચી કરી નાખી હતી. બાદમાં ગુસ્સે ભરાયેલા ટોળાએ શાળાની બહાર આવીને રોડ પર બેસીને ચક્કાજામ કર્યો છે.
મણિનગરના ધારાસભ્ય, ડીસીપી બળદેવ દેસાઈ અને ACP સ્કૂલે પહોચ્યા છે, સાથે જ બજરંગ દળ, VHP, ABVPના કાર્યકર્તાઓ કેસરી ખેસ પહેરી જય શ્રીરામના નારા લગાવી શાળાએ પહોંચ્યા હતા. સ્કૂલ બહાર 2 હજાર કરતા વધારે લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસ હાય હાયના નારા લગાવ્યા હતા. પોલીસે લાઠીચાર્જ કરી સ્થિતિ કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે.