logo-img
India Is The Best Model Of Cooperative Sector

"ભારત સહકારી ક્ષેત્રનું શ્રેષ્ઠ મોડલ" : "સહકાર સે સમૃદ્ધિથી વોકલ ફોર લોકલના વિઝન તરફ અગ્રેસર"

"ભારત સહકારી ક્ષેત્રનું શ્રેષ્ઠ મોડલ"
Published by: Offbeat Team
| Last Updated: Aug 20, 2025, 01:07 PM IST

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ પણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સહકારી ક્ષેત્રનું શ્રેષ્ઠ મોડલ દુનિયા સમક્ષ પ્રસ્તુત કરીને આવનારા ભવિષ્યમાં કો-ઓપરેટિવ સેક્ટરમાં પણ દેશને અગ્રેસર રાખશે. 2025નું વર્ષ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે “કો-ઓપરેટિવ બિલ્ડ ધ બેટર વર્લ્ડ”ની થીમ સાથે ઉજવાઈ રહ્યું છે. આ ઉજવણી સંદર્ભમાં ‘સહકારથી સમૃદ્ધિ’ અંતર્ગત જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો, દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ, ખેતી બેંક અને ગુજકોમાસોલ સહિતની સહકારી સંસ્થાઓના અગ્રણીઓનો એક દિવસીય વર્કશોપ ગાંધીનગરમાં યોજાયો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વર્કશોપના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા કહ્યું કે, સ્વતંત્રતા પહેલાં ગુજરાતના બે સપૂત મહાત્મા ગાંધી અને સરદાર પટેલની આગેવાનીમાં અસહકારની લડતમાં અગ્રેસર ગુજરાત આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને પ્રથમ સહકાર મંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં સહકાર સે સમૃદ્ધિથી વોકલ ફોર લોકલના વિઝનને પાર પાડવામાં અગ્રેસર છે.

તેમણે જણાવ્યું કે, છેવાડાના માનવીને વિકાસની મુખ્ય ધારામાં લાવવા અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવામાં સહકારી ક્ષેત્ર મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે. ખાસ કરીને પ્રાથમિક સહકારી મંડળીઓ આ માટેનું અને સ્વદેશીથી આત્મનિર્ભરતાનું યોગ્ય પ્લેટફોર્મ છે એમ મુખ્યમંત્રી ઉમેર્યું હતું. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાનએ આત્મનિર્ભર ભારતને 140 કરોડ ભારતવાસીઓનો સંકલ્પ અને જન આંદોલન બનાવ્યું છે. આત્મનિર્ભરતા માટે આપણે સહકારી મંડળીઓ, સ્વ સહાય જૂથોની મંડળીઓ દ્વારા બનાવાયેલી ચીજ વસ્તુઓ ખરીદીને આત્મનિર્ભર ભારત સાથે વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલને વેગ આપી શકીએ.

મુખ્યમંત્રીએ પેક્સમાં સ્થાનિક કોર્પોરેટ કંપની બનવાની સંભાવનાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, સહકારી ક્ષેત્રના અગ્રણીઓ સાથે મળીને તેને સાકાર કરી શકે તેમ છે. તેમણે ઉમેર્યુ કે, વડાપ્રધાનની વિઝનરી લીડરશીપમાં દેશમાં આઝાદીના દશકો પછી અલાયદૂ સહકાર મંત્રાલય રચવામાં આવ્યું છે.એટલું જ નહીં, છેવાડાના માનવીના વિકાસ માટેની વડાપ્રધાનની વિચારધારાને અનુરૂપ નવી સહકાર નીતિ 2025 પણ દેશના પ્રથમ સહકાર મંત્રી અમિતભાઈ શાહે તાજેતરમાં જાહેર કરી છે.

આ નીતિની વિશેષતાઓ પ્રસ્તુત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, દરેક નાગરિકને સહકારી આંદોલન સાથે વધુમાં વધુ જોડવા સાથો સાથ 2034 સુધીમાં જી.ડી.પી.માં સહકાર ક્ષેત્રનું યોગદાન ત્રણ ગણું વધારવાનું લક્ષ્ય સહકાર નીતિમાં રાખવામાં આવ્યું છે. સહકારી સંસ્થાઓની સંખ્યા 30 ટકા જેટલી વધારવી અને દરેક ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછી એક સહકારી સોસાયટી બનાવવાનો વિચાર પણ આ નીતિમાં સમાવિષ્ટ છે એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ આ વર્ષ સરદાર પટેલની જન્મ જયંતીનું 150મું વર્ષ છે અને સરદાર સાહેબે ત્રિભુવનદાસ પટેલના સહયોગથી સહકારિતાનું ફલક વિકસાવ્યું છે તેનું સ્મરણ કરતાં સહકારી ક્ષેત્રે તાલીમબદ્ધ મેનપાવરની ઉપલબ્ધી માટે ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની સ્થાપનાના વડાપ્રધાનના દીર્ઘ દ્રષ્ટિ પૂર્ણ અભિગમને બિરદાવ્યો હતો.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનએ વિકસિત ભારત 2047નો જે સંકલ્પ આપ્યો છે તે પહેલાં ગુજરાત માટે તો રાજ્યની સ્થાપનાના 75 વર્ષનો અવસર 2023માં આવવાનો છે. આ બેય અવસરો ગુજરાતના સહકારી ક્ષેત્ર માટે આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલનું દિશાદર્શન કરીને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણના અવસરો છે તેમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ સહકારી ક્ષેત્રના સર્વગ્રાહી વિકાસ માટે લાંબા અને ટૂંકા ગાળાના લક્ષ્યો નિર્ધારિત કરીને સહકાર સે સમૃદ્ધિનો ધ્યેય પાર પાડવા સમગ્ર સહકારી ક્ષેત્રના અગ્રણીઓને આ તકે પ્રેરણા આપી હતી.કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ, વન-પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા તેમજ વન -પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ આ વર્કશોપમાં ઉપસ્થિત રહ્યા હતા.

આઝાદી પહેલાંથી સહકારીતા ભારતનો આત્મા રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગવી પહેલથી ભારતમાં નવીન સહકારિતા મંત્રાલયના નિર્માણ બાદ પ્રથમ સહકારિતા મંત્રી તરીકે અમિતભાઈ શાહની આગેવાનીમાં દેશમાં સહકારિતા ક્ષેત્રે અનેકવિધ નવા પ્રકલ્પો શરૂ થયા છે. હાલમાં પણ મોટાભાગના સહકારી આગેવાનો પોતાના માટે નહીં પણ અન્યના કલ્યાણ માટે તેમજ સહકારી માળખું વધુ મજબૂત બનાવવા સતત સેવારત છે. ગુજરાતમાં અને ભારતમાં અનેકવિધ સહકારી આગેવાનો છે‌ કે જેમને પોતાનું જીવન સહકાર ક્ષેત્રના વિકાસ માટે સમર્પિત કર્યું છે તેમની સરાહના થવી જોઇએ તેમ વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ આ પ્રસંગે જણાવ્યું હતું.

આ પ્રસંગે સહકાર વિભાગના સચિવ સંદીપકુમારે સ્વાગત ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાત સહકારી ક્ષેત્રે સમગ્ર દેશમાં મહત્વપૂર્ણ અને અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે. આજે રાજ્યમાં હજારો સહકારી સંસ્થાઓ ખેતી, ડેરી, બેન્કિંગ, માર્કેટિંગ, ક્રેડિટ, હાઉસિંગ અને કુટીર ઉદ્યોગ જેવા વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. આ પ્રસંગે ખાંડ તંત્રના નિયામક સુનિલભાઈ ચૌધરી દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ પહેલો અંગે વિસ્તૃતમાં પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now