IND vs WI 1st Test Match: અમદાવાદમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બે મેચની ટેસ્ટ સિરીઝનો પ્રથમ મુકાબલો શરૂ થઈ ગયો છે. વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ભારતીય બોલરોની ઘાતક બોલિંગ સામે તેમની ટીમ 162 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. હાલ રમતના બીજા સેશનમાં ભારતની ઇનિંગ્સ શરૂ થઈ રહી છે.
પહેલા જ સેશનમાં વેસ્ટ ઈન્ડિઝનું પતન!
વેસ્ટ ઈન્ડિઝે લંચ બ્રેક સુધીમાં 90 રન બનાવીને પોતાની અડધી ટીમ ગુમાવી દીધી હતી. ભારતીય બોલરોએ શરૂઆતથી જ લય પકડી રાખી હતી અને કેરેબિયન બેટર્સને સતત દબાવમાં રાખ્યા. ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને જસપ્રિત બુમરાહની ઘાતક બોલિંગથી ભારતને પહેલી સફળતા ચોથી ઓવરમાં મળી.
ફાસ્ટ બોલિંગનું પ્રદર્શન
મોહમ્મદ સિરાજે તેજનારાયણ ચંદ્રપોલને ધ્રુવ જુરેલના હાથમાં કેચ આઉટ કરાવ્યો. અને પછીથી સિરાજે બ્રેન્ડન કિંગને 13 રનમાં, એલીક એથેનાઝને 12 રનમાં અને વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન રોસ્ટન ચેઝને 24 રનમાં આઉટ કરીને વેસ્ટ ઈન્ડિઝને વધુ મુશ્કેલીમાં મૂકી. અને આખરે મોહમ્મદ સિરાજે 4 વિકેટ પોતાના નામે કરી. જસપ્રિત બુમરાહે પણ શરૂઆતમાં જ્હોન કેમ્પબેલને 8 રનમાં આઉટ કર્યો. સેટ બેટર જસ્ટિન ગ્રીવ્ઝને 32 રનમાં યોર્કર બોલ નાખીને બોલ્ડ કર્યો. અને પછી ડેબ્યુટન્ટ જોહાન લેનને 1 રનમાં બોલ્ડ કર્યો. અને જસપ્રિત બુમરાહે 3 વિકેટ હાંસલ કરી.
સ્પિનરોનું યોગદાન
કુલદીપ યાદવે લંચ પહેલા જ શાઈ હોપને 26 રનમાં બોલ્ડ કર્યો અને પછી જોમેલ વોરિકનને પણ આઉટ કર્યો. વોશિંગ્ટન સુંદરે ખૈરી પીયર્સને LBW આઉટ કર્યો. આ રીતે ભારતના તમામ બોલરોએ પોતાનો પ્રભાવ બતાવ્યો અને વેસ્ટ ઈન્ડિઝને 162 માં જ ઓલઆઉટ કરી દીધી.
ભારતીય બોલિંગ યુનિટનું પ્રદર્શન
જસપ્રિત બુમરાહે 14 ઓવરમાં 42 રન આપીને 3 વિકેટ મેળવી, જેમા 3 ઓવર મેઇડન હતી. મોહમ્મદ સિરાજે પણ 14 ઓવર બોલિંગ કરી, જેમા 40 રન ખર્ચીને 4 વિકેટ પ્રાપ્ત કરી, અને 3 મેઇડન ઓવરોનો પણ સમાવેશ થાય છે. નીતિશ કુમાર રેડ્ડીએ માત્ર 4 ઓવર બોલિંગ કરી, જેમા 16 રન આપ્યા અને 1 ઓવર મેઇડન હતી. રવીન્દ્ર જાડેજાએ 3 ઓવરમાં 15 રનમાં એકપણ વિકેટ ન મળી. કુલદીપ યાદવે 6.1 ઓવરમાં 25 રન માં 2 વિકેટ મેળવી. વોશિંગ્ટન સુંદરે 3 ઓવરમાં 9 રનમાં 1 વિકેટ મેળવી.
બન્ને ટીમોની પ્લેઇંગ-11
ભારત (IND): શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, નીતિશ કુમાર રેડ્ડી, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
વેસ્ટ ઈન્ડિઝ (WI): રોસ્ટન ચેઝ (કેપ્ટન), તેજનરીન ચંદ્રપોલ, જ્હોન કેમ્પબેલ, એલીક એથેનાઝ, બ્રેન્ડન કિંગ, શાઈ હોપ (વિકેટકીપર), જસ્ટિન ગ્રીવ્ઝ, જોમેલ વોરિકન, ખૈરી પિયરી, જોહાન લેન, જેડન સીલ્સ.