સુરતના ઉધના વિસ્તારમાંથી ઝડપાયેલા ₹1550 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ રેકેટના મામલામાં ઉધના પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા વધુ 13 આરોપીઓની ધરપકડ કરી છે, જેઓ પોતાના બેંક એકાઉન્ટ્સ ગુનેગારોને ભાડે આપતા હતા.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ આરોપીઓ મહિને ભાડું લઈને સાયબર ફ્રોડ કરતી ટોળકીને પોતાના બેંક ખાતાનો ઉપયોગ કરવા દેતા હતા. આ ખાતાઓમાં દેશભરમાં અલગ-અલગ સાયબર ફ્રોડ દ્વારા મેળવવામાં આવેલા નાણાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા. પૈસા ઉપાડી લીધા બાદ તરત જ આ બેંક એકાઉન્ટ્સ બંધ કરી દેવામાં આવતા હતા.
આ સમગ્ર રેકેટમાં દેશભરમાં 2500થી વધુ બેંક એકાઉન્ટ્સ વિરુદ્ધ સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી છે, જેમાંથી 37 ફરિયાદો માત્ર સુરતની છે. અત્યાર સુધીમાં ઉધના પોલીસે આ કેસમાં RBL બેંકના 8 અધિકારીઓ સહિત કુલ 25 આરોપીઓની ધરપકડ કરી છે. આ ઉપરાંત, પોલીસે આ રેકેટના મુખ્ય ચાર આરોપીઓ વિરુદ્ધ સુરતની કોર્ટમાં 1.50 લાખ પાનાની ચાર્જશીટ પણ દાખલ કરી છે.
આ ધરપકડથી સાયબર ફ્રોડના આ મસમોટા રેકેટના મૂળ સુધી પહોંચવામાં પોલીસને વધુ મદદ મળશે તેવી અપેક્ષા છે, અને આ કેસમાં હજુ વધુ ખુલાસાઓ થવાની સંભાવના છે.