ગુજરાત હાઇકોર્ટે રાજ્યની આંગણવાડી વર્કર્સ અને સહાયિકાઓને મોટી રાહત આપતા મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટની ડબલ જજની બેંચે સરકારની અપીલ નકારી કાઢતાં આંગણવાડી બહેનો માટે ન્યૂનતમ માસિક વેતન નક્કી કરી દીધું છે.
ચુકાદાની મુખ્ય બાબતો
આંગણવાડી વર્કર્સ (AWWs): માસિક ₹24,800 વેતન
આંગણવાડી સહાયિકાઓ (AWHs): માસિક ₹20,300 વેતન
ચૂકવણી સમયમર્યાદા: 6 મહિનામાં ચુકવવી ફરજિયાત
લાગુ પડતો સમયગાળો: 1 એપ્રિલ 2025થી શરૂ થતા નાણાકીય વર્ષથી, એરિયર્સ સાથે ચુકવણી
જવાબદારી: રાજ્ય કે કેન્દ્ર સરકાર અથવા બંને મળીને ચુકવણી કરશે
2024માં હાઇકોર્ટના સિંગલ જજે આંગણવાડી બહેનોને ન્યૂનતમ વેતન ચૂકવવાનો હુકમ આપ્યો હતો. તેના વિરોધમાં રાજ્ય સરકારે અપીલ કરી હતી. હવે ડબલ જજની બેંચે આ અપીલને નકારી કાઢતાં બહેનોના પક્ષમાં ચુકાદો આપ્યો છે.
હાઇકોર્ટનો અભિપ્રાય
આંગણવાડી વર્કર્સ અને સહાયિકાઓને ICDS યોજનાના બજેટમાંથી વેતન ચૂકવવામાં આવશે.
સરકાર પર નાણાકીય બોજ વધશે, છતાં બહેનોની દુર્દશાને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે આ નિર્ણય કર્યો.
હાઇકોર્ટએ બહેનોને કાયમી સરકારી કર્મચારીઓ સમાન ગણ્યા નથી, પરંતુ ન્યૂનતમ પગાર સાથે વધારાનું વેતન ચૂકવવાનો આદેશ યથાવત્ રાખ્યો છે.
આ ચુકાદાથી ગુજરાતની તમામ આંગણવાડી બહેનોને સીધી રાહત મળશે. તેમને હવે દર મહિને માન-સન્માનનો પગાર મળશે અને અલગથી અરજી કરવાની જરૂર નહીં રહે.