Javahar Chavda: જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં ગમે ત્યારે નવા જૂનીના સમાચાર સામે આવી શકે છે. કારણ કે, ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ આમ આદમી પાર્ટીના નેતાઓની સભામાં હાજરી આપી, તેમણે AAP નેતા સાથેના ફોટ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા અનેક તર્ક-વિતર્ક ફરી એકવાર શરૂ થયા છે.
AAP નેતાઓ સાથે ભાજપ નેતાની સભા
જૂનાગઢના આકાળા અને વિરડી ગામે AAPની સભામાં જવાહર ચાવડા પહોચ્યા હતા. જ્યાં તેમનો AAP નેતાઓ સાથેની બેઠકનો વીડિયો વાયરલ થયો છે. જવાહર ચાવડા ફરી એકવાર જૂનાગઢમાં એક્ટિવ થયા છે, થોડા દિવસ અગાઉ રોજગારી સહિતના મુદ્દે વીડિયો પણ જાહેર કર્યો હતો.
ઈટાલિયાની જીત બાદ જવાહરની ચર્ચા
ઈટાલિયાની જીત બાદ આમ આદમી પાર્ટીના કાર્યકરોની સાથો-સાથ ભાજપના નેતા જવાહર ચાવડાની જય ના નારા લાગ્યા હતા, જે ઘટનાક્રમ બાદ રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છેકે, જ્યાં-જ્યાં પણ ઈટાલિયાની જીત થઈ છે ત્યાં તેની જીત પાછળ અને ભાજપના ઉમેદવારને હરાવવા પાછળ ભાજપના જ નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાનો હાથ છે.
કેમ ચર્ચામાં છે જવાહર ચાવડા?
રાજકીય પંડિતોની માનીએ તો નજીકના સમયમાં ગુજરાતની રાજનીતિમાં યૂ-ટર્ન આવી શકે છે. જવાહર ચાવડા એટલા માટે ચર્ચામાં છે કારણ કે, ગોપાલ ઈટાલિયાની જીતમાં જે 13 ગામોમાંથી આમ આદમી પાર્ટીને વધારે મત મળ્યાં ત્યાં જવાહર ચાવડાનો પ્રભાવ છે. તેનો અર્થ એવો પણ રાજકીય પંડિતો માની રહ્યાં છે કે, જવાહર ચાવડાએ ભાજપને હરાવીને AAPના ઉમેદવારને જીતાડવા પોતના પ્રભુત્વ ધરાવતા ગામોમાં અપીલ કરી હોય એ વાત પણ અહીં સાંકેતિક રીતે દેખાઈ આવે છે. જે બાદ અવારનવાર આમ આદમી પાર્ટીમાં જોડાઈ જવાની ચર્ચા તેજ થઈ છે.
કોણ છે જવાહર ચાવડા?
જવાહર ચાવડા ભાજપના એક જાણીતા નેતા છે અને ભાજપની સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. રસપ્રદ વાત એ છે કે, તેઓ મૂળ કોંગ્રેસના નેતા હતા અને બાદમાં ભાજપમાં જોડાયા હતા, જેના કારણે તેમને 'બળવાખોર નેતા' તરીકે પણ ઓળખવામાં આવે છે. બાદમાં ભાજપમાંથી પણ મંત્રી પદ જતુ રહેતા હાલ પક્ષથી નારાજ ચાલી રહ્યાં હોવાનું ચર્ચામાં છે. એ જ કારણ છે કે, તેમની આમ આદમી પાર્ટી સાથે નીકટતા પણ વધી ગઈ છે. આ ઉપરાંત જવાહર ચાવડા પોતે રજવાડું ધરાવે છે.