જુનાગઢના મેંદરડામાં મેઘરાજાનો ભારે તાંડવ જોવા મળ્યો. મેંદરડામાં માત્ર 5 કલાકમાં જ 10 ઈંચ આસપાસ વરસાદ ખાબકયો છે. જેના કારણે નદી નાળા છલકાઈ ગયા છે. ખેડૂતોને ભારે નુકસાન થયું છે. જૂનાગઢની મધુવતી, મેઘલ અને બંધૂકયો નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. સાથે જ ભાવનગર અને અમરેલીમાં પણ વરસાદ રોકાવાનું નામ પણ નથી લઇ રહ્યો. જેથી કરીને હવામાન વિભાગે પાંચ જીલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.
ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 25 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. આજે અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી અને સુરતમાં અતિભારે વરસાદની આગાહી સાથે રેડએલર્ટ જાહેર કરાયું છે.
ત્યારે દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યમાં આ વર્ષે સિઝનનો 70 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જળાશયોની વાત કરીએ તો, રાજ્યના 206 જળાશયોમાં 74 ટકા જળસંગ્રહ થઈ ચૂક્યો છે.
હવામાન વિભાગની આગાહી
આગામી એક સપ્તાહ સુધી ભારેથી અતિભારે વરસાદ વરસવાની સંભાવના છે. આગામી 2 દિવસ માટે રાજ્યભરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદમાં વીજળીના કડાકા-ભડાકા સાથે મધ્યમ થી ભારે વરસાદની શક્યતા. આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના.
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ભારે વરસાદની આગાહી કરતાં જણાવ્યું કે આગામી 72 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદનું સૌથી વધુ જોર રહેશે. સાથે જ નર્મદા અને સાબરમતી નદીઓ બેકાંઠે વહી શકે છે. મહેસાણામાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાવાની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં મૂશળધાર વરસાદની શક્યતા. નીચાણવાળા વિસ્તારોમાં રહેનારાઓને સતર્ક રહેવાની અપીલ.