ગુજરાત હાઈકોર્ટને ફરી એક વાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. હાઈકોર્ટને ઇમેલ પર અજાણી વ્યક્તિએ ધમકીભર્યો મેલ કર્યો છે. હાઈકોર્ટના રજીસ્ટ્રાર દ્વારા સોલા પોલીસને આ બાબતે જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ધોરણે હાઈકોર્ટ પહોંચીને તપાસ શરુ કરવામાં આવી છે. BDDS સહિતની તમામ ટીમ તપાસમાં જોડાઈ ગઈ છે. નોંધનીય છે કે માત્ર બે મહિનામાં ત્રીજી વખત ગુજરાત હાઈ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે.
હાઈકોર્ટની તપાસમાં ડોગ અને બોમ્બ સ્ક્વોડ
સોલા પોલીસ સ્ટેશનના PIએ જણાવ્યું હતું કે, હાઈકોર્ટને ધમકી ભર્યો ઇ-મેલ મળ્યો જેને લઈને તાત્કાલિક ધોરણે પોલીસ હાઈકોર્ટ પહોચી છે. ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ બંને સાથે હાઈકોર્ટમાં તપાસ કરવામાં આવી રહી છે.
અગાઉ 9 જુને હાઈ કોર્ટને મળી હતી ધમકી
અગાઉ 9 જુન 2025 ના રોજ ગુજરાત હાઈકોર્ટને ઈમેલ દ્વારા બોમ્બ વિસ્ફોટની ધમકી આપવામાં આવી હતી. ધમકી મળ્યા બાદ, હાઈકોર્ટ પરિસર ખાલી કરાવવામાં આવ્યું હતું અને પોલીસે બોમ્બ અને ડોગ સ્ક્વોડ સાથે તપાસ શરૂ કરી હતી. ઈ-મેલમાં ધમકીનું કારણ સાવક્કુ શંકરની ધરપકડ અને કસાબને ફાંસી આપવાનું જણાવવામાં આવ્યું હતું. કાર્યવાહીને કારણે, બપોરે કોર્ટની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી.
અગાઉ 24 જુને પણ હાઈ કોર્ટને મળી હતી ધમકી
ગુજરાત હાઈકોર્ટને 24 જુનના રોજ મંગળવારે પણ વહેલી સવારે ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. બોમ્બ સ્ક્વોડ અને પોલીસ ટીમે હાઈકોર્ટ સંકુલમાં અને તેની આસપાસ સંપૂર્ણ તપાસ અભિયાન શરૂ કર્યું હતું. કોઈ શંકાસ્પદ વસ્તુ નહતી મળી.