મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારત @ 2047ના સંકલ્પમાં વિકસિત ગુજરાત @ 2047ને અગ્રેસર રાખવાના ધ્યેયથી રાજ્ય શાસનના વહીવટી માળખા અને કાર્ય પદ્ધતિમાં જરૂરી ફેરફાર માટે મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢીયાના અધ્યક્ષ પદે ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરેલી છે.
આ સંદર્ભમાં GARC દ્વારા અત્યારસુધીમાં રાજ્ય સરકારને ત્રણ ભલામણ અહેવાલો સોંપવામાં આવેલા છે અને તેની કુલ મળીને ૨૫ ભલામણો અમલીકરણના વિવિધ તબક્કામાં છે. GARC અધ્યક્ષ ડૉ. હસમુખ અઢીયાના દિશાદર્શનમાં 9 જેટલી ભલામણો સાથે તૈયાર કરવામાં આવેલો ચોથો ભલામણ અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગુરુવારે સુપ્રત કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2024માં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસે “અમારી સરકાર પંચાયતી રાજ સંસ્થાઓને મજબૂત બનાવવા અને લોકોના સપનાઓને સાકાર કરવા સતત કાર્યરત રહેશે.” ના કરેલા સંકલ્પને ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગામથી રાજ્ય સુધીના લોકશાહી આધારિત વિકાસ મોડલથી સાકાર કરવાના ઉદ્દેશ્યથી GARCના આ ચોથા ભલામણ અહેવાલમાં વિકેન્દ્રીકૃત આયોજન સંબંધિત ભલામણો કરવામાં આવેલી છે.
આ ચોથા અહેવાલમાં વિકેન્દ્રીત આયોજન અને બજેટ વ્યવસ્થા અંગે જે ઐતિહાસિક ભલામણો કરવામાં આવી છે તેના પરિણામે લોકકેન્દ્રિત વિકાસ, પારદર્શિતા અને જવાબદારીના નવા યુગની શરૂઆત થશે અને મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્યમાં ગામથી તાલુકા અને જિલ્લાની યોજના પ્રક્રિયા વધુ લોકતાંત્રિક, પ્રતિનિધિત્વ આધારિત અને જનકેન્દ્રિત બનશે તેવી અપેક્ષા આ અહેવાલમાં વ્યક્ત કરવામાં આવી છે.મુખ્યમંત્રીને GARCનો આ ચોથો અહેવાલ પંચના અધ્યક્ષ ડૉ. હસમુખ અઢિયાએ સુપ્રત કર્યો તે અવસરે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, મુખ્યમંત્રીના સલાહકાર એસ. એસ. રાઠૌર, વહિવટી સુધારણા પ્રભાગના અગ્ર સચિવ હારિત શુક્લા, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંઘ, સચિવ ડૉ. વિક્રાંત પાંડે અને આયોજન પ્રભાગના સચિવ આદ્રા અગ્રવાલ અને GARCના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
GARCના આ ચોથા અહેવાલમાં ગુજરાતના આયોજન માળખામાં મૂળભૂત પરિવર્તન લાવતી ભલામણો કરવામાં આવી છે તે રાજ્યના નાગરિકોને સીધો લાભ પહોંચાડનારી છે. આ ભલામણો દ્વારા રાજ્યમાં વિકેન્દ્રિકૃત આયોજનને મજબૂત બનાવવાનું અને ગામડાંઓને વિકાસ પ્રક્રિયાના કેન્દ્રમાં લાવવાનું મહત્વપૂર્ણ કદમ ભરવામા આવ્યુ છે.આ અહેવાલની મુખ્ય ભલામણોમાં જિલ્લા આયોજનના બજેટમાં આવતા પાંચ વર્ષમાં સાતથી આઠ ગણા જેટલો ધરખમ વધારો, જિલ્લા આયોજન મંડળમાંથી જિલ્લા આયોજન સમિતિ – ચૂંટાયેલા પ્રતિનિધિઓને બહુમતી, આયોજન માટે ફિક્સ કૅલેન્ડર, તાલુકા સ્તરે એકીકૃત સમિતિ અને વિલેજ ડેવલપમેન્ટ પ્લાનનો સમાવેશ થાય છે.
જિલ્લા આયોજનના બજેટમાં આવતા પાંચ વર્ષમાં અંદાજે સાતથી આઠ ગણો ધરખમ વધારો
સ્થાનિક સ્તરના પાયાના કડીરૂપ કામો માટેનુ જિલ્લા આયોજન માટેનું જે બજેટ વર્ષોથી સ્થિર રહ્યું છે, તેમાં હવે પંચ દ્વારા આવતા પાંચ વર્ષોમાં વાર્ષિક રૂ. 10,000 કરોડ જેટલી માતબર રકમનો વધારો કરવાની ભલામણ કરવામાં આવેલી છે. બજેટનો વધારો થતા વધુ રસ્તા, વધુ શાળાઓ, વધુ આરોગ્ય સુવિધાઓ અને વધુ રોજગારની તકો ઉભી થશે અને ગ્રામીણ સ્તરના પાયાના લોકોની શાસનમા ભાગીદારી વધશે.
જિલ્લા આયોજન મંડળમાંથી જિલ્લા આયોજન સમિતિ – ચૂંટાયેલા પ્રતિનિધિઓને બહુમતી
રાજ્યમાં 1973થી જિલ્લા કક્ષાના આયોજન માટે જિલ્લા આયોજન મંડળ અસ્તિત્વમાં છે. આ જિલ્લા આયોજન મંડળની જગ્યાએ જિલ્લા કક્ષાના તમામ આયોજનની મંજૂરી હવેથી ભારતના બંધારણમાં સૂચવ્યા મુજબની જિલ્લા આયોજન સમિતિ દ્વારા આપવામાં આવે તેવી ભલામણ આ અહેવાલમાં કરવામાં આવી છે. જિલ્લા આયોજન સમિતિમા જિલ્લા કક્ષાએ ચુંટાયેલા પ્રતિનિધિઓને પ્રાધાન્ય આપીને પંચાયત સ્તરને વધુ સુદ્ર્ઢ બનાવવામાં આવશે તથા જિલ્લા આયોજન સમિતિમાં જિલ્લાના પ્રભારી મંત્રી અધ્યક્ષ તર્રીકે યથાવત રહેશે. હવે જિલ્લા સ્તરે યોજનાઓ નક્કી કરવાનો અધિકાર જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓના હાથમાં આવશે અને લોકશાહીનો સાચો અર્થ પણ સાકાર થઈ શકશે.
આયોજન માટે ફિક્સ કૅલેન્ડર
વિવિધ યોજનાઓ અન્વયેના કામો નક્કી કરવાથી લઇને વહીવટી મંજૂરી તેમજ ટેન્ડરીંગ અને વર્ક ઓર્ડર ઇસ્યુ કરવા માટે પંચ દ્વારા એક ફિક્સ કેલેન્ડરની ભલામણ કરવામાં આવી છે. આ કેલેન્ડર મુજબ આગામી વર્ષની આયોજન પ્રક્રિયા આ વર્ષના જૂન–જુલાઈ મહિનાથી ગામ સ્તરે શરૂ થશે અને તે તમામ વહીવટી પ્રક્રીયાઓ એ રીતે પૂરી કરવામાં આવશે કે આવતા વર્ષના એપ્રિલ મહિનાથી વાસ્તવમાં કામગીરી શરૂ થઇ શકે
તાલુકા સ્તરે એકીકૃત સમિતિ
તાલુકા કક્ષાએ આયોજન મંજૂર કરવા પ્રવર્તમાન સ્થિતિએ એક કરતા વધારે સમિતિઓ અસ્તિત્વમાં છે, તેમાં સરકારની વિવિધ યોજના અન્વયેના કામોને મંજૂરી આપવામાં આવે છે. પરંતુ, આ અલગ અલગ સમિતિઓના કારણે તાલુકા કક્ષાએ ઘણી વાર સંકલનના અભાવે અનેક સમસ્યાઓ ઉપસ્થિત થતી હોય છે. હવે પંચ દ્વારા તાલુકા કક્ષાએ કોઇ પણ કામની મંજૂરી માટે એક જ સમિતિ “એકીકૃત તાલુકા આયોજન સમિતિ” રહે તે મુજબની ભલામણ કરવામાં આવી છે. આનાથી કામ મંજૂર કરવામા થતો વિલંબ ઘટશે અને ગુંચવણ પણ ઓછી થશે. તાલુકા સ્તરે ઝડપી અને એકીકૃત નિર્ણય લેવાતા દરેક નાગરિકને તેનો સીધો લાભ પણ મળશે.
વિલેજ ડેવલપમેન્ટ પ્લાન – નાગરિકોની સીધી ભાગીદારી
દરેક ગામ પોતે Village Development Plan તૈયાર કરશે અને ગ્રામસભા દ્વારા આ વિલેજ ડેવલપમેન્ટ પ્લાનને મંજૂર કરવામાં આવશે. તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાએ જે કામોનુ આયોજન મંજૂર કરવામાં આવશે તે તમામ આયોજન માટે કામોની પસંદગી આ વિલેજ ડેવલપમેન્ટ પ્લાનમાંથી જ કરવાની રહેશે. હવે, ગ્રામજનો જાતે નક્કી કરશે કે તેમના વિસ્તારમાં કયા કામો થવા જોઈએ. આમ, ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો પણ હવે વિકાસમા ભાગીદાર પણ બનશે અને ગાંધીજીની સ્વરાજની કલ્પના – “ગામ પોતાનું ભવિષ્ય પોતે નક્કી કરે” – સાચા અર્થમાં સાકાર થશે. આ ઉપરાંત ગ્રામ સ્તરે શિક્ષણ, પીવાનું પાણી, રસ્તા, સ્વાસ્થ્ય કેન્દ્રો જેવી પ્રાથમિક સુવિધાઓ માટે લોકો જાતે જ પ્રાથમિકતાઓ નક્કી કરી શકશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકાસના સાચા સશક્તિકરણ માટે ગામડા પોતે પોતાના નિર્ણય લે અને પોતાના વિકાસમાં પોતે જ ભાગીદાર બને તે અંગેના આપેલા વિચારથી વિકસિત ભારત 2047માં ગ્રામીણ વિસ્તારોની સક્રિય ભાગીદારી વધારીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વિકસિત ગુજરાત 2047નું સપનું સાકાર કરવા માટે GARCના આ ચોથા અહેવાલની ભલામણો મજબૂત પાયો પુરો પાડશે અને ગામથી તાલુકા અને જિલ્લામાં લોક કેન્દ્રિત આયોજન રાજ્યના વહિવટને વધુ અસરકારક અને જવાબદાર બનાવશે.
રાજ્યમાં વિકેન્દ્રિત આયોજન વ્યવસ્થા વધુ સંગીન બનાવવા GARCના ચોથા અહેવાલમાં જે અન્ય ભલામણો કરવામાં આવી છે તેમા MLA Local Area Development સિવાયની સા.વ.વિ.(આયોજન) હસ્તકની તમામ યોજનાઓ માટે કામોની પસંદગી માટે હવે એક જ પ્રકિયા અનુસરવાની, ટેકનોલોજી આધારિત ટ્રેકિંગ સિસ્ટમની, વિકાસશીલ તાલુકાના માપદંડો નવેસરથી નક્કી કરવાની અને પર્ફોર્મન્સ આધારિત જવાબદારી વગેરેનો સમાવેશ થાય છે.