દાહોદ: દાહોદ જિલ્લામાં એક અત્યંત કરૂણ અને હૃદયદ્રાવક ઘટના બની છે. અહીંના કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારના ખંગેલા ગામમાં, એક પિતાએ તેમના બે સગીર પુત્રો સાથે ગળે ફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
શું છે ઘટનાની વિગત?
પ્રાપ્ત માહિતી અનુસાર, ખંગેલા ગામના શીતળા માતા ફળિયામાં રહેતા અરવિંદભાઈ ભીમલાભાઈ (ઉંમર-35) નામના યુવકે આ આઘાતજનક પગલું ભર્યું છે. અરવિંદભાઈએ તેમના બે પુત્રો સાથે પોતાના ઘર પાસે આવેલા એક વૃક્ષ પર દોરડા વડે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો. ત્રણેયના મૃતદેહ વૃક્ષ પર લટકતી હાલતમાં મળી આવ્યા હતા.
કારણ અકબંધ, પોલીસ તપાસ શરૂ
આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ ઘટનાની જાણ થતાં જ, કતવારા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે તાત્કાલિક ત્રણેય મૃતદેહોને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પિતાએ શા માટે આવું અંતિમ પગલું ભર્યું હશે, તે જાણવા માટે પોલીસ પરિવારજનો અને ગામલોકોની પૂછપરછ કરી રહી છે. આ ઘટનાથી સમગ્ર દાહોદ જિલ્લામાં શોક અને સનસનાટી ફેલાઈ ગઈ છે.