અમદાવાદ શહેરમાં ભ્રષ્ટાચારનું પ્રતીક બની ગયેલા હાટકેશ્વર બ્રિજને આખરે તોડી પાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. છેલ્લા ત્રણ વર્ષથી બંધ પડેલા આ બ્રિજનું બાંધકામ અત્યંત નબળું હોવાથી તેને તોડવાનો નિર્ણય લેવાયો હતો. જેસીબી મશીનો દ્વારા વહેલી સવારથી જ બ્રિજને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
2017માં જાહેર જનતા માટે બ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યો હતો
અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ બનાવવાની કામગીરી વર્ષ 2015માં શરૂ કરાઈ હતી અને વર્ષ 2017માં જાહેર જનતા માટે બ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જોકે, બ્રિજની ગુણવત્તાને લઈને ઉઠેલા સવાલો બાદ તેને થોડાક સમયની અંદર બંધ કરાયો હતો. AMCએ અલગ-અલગ સંસ્થાઓ પાસે બ્રિજની ગુણવત્તાનો રિપોર્ટ કરાવ્યા બાદ હલકી કક્ષાનો પુરવાર થયો હતો. અંતે તેને તોડી પાડવાનો નિર્ણય કરાયો છે.
4 કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજ તોડવામાં આવશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આ બ્રિજને તોડવા માટે 4 કરોડ રૂપિયાના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. બ્રિજને તબક્કાવાર રીતે તોડવામાં આવશે અને આખી કામગીરી પૂર્ણ થતાં અંદાજે 6 મહિના જેટલો સમય લાગી શકે છે. આ કામગીરીથી વાહનચાલકોને થોડી મુશ્કેલી શકે છે, પરંતુ નવો અને સુરક્ષિત બ્રિજ બનાવવા માટે આ પગલું જરૂરી હતું.