સાપુતારા: ડાંગના પ્રખ્યાત ગિરિમથક સાપુતારામાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસ્યા બાદ આજે વાતાવરણમાં અનોખો પલટો જોવા મળ્યો. વહેલી સવારથી ઝરમર વરસાદની સાથે આખું સાપુતારા ધુમ્મસની ચાદરથી ઢંકાઈ ગયું હતું. આ ધુમ્મસ એટલું ગાઢ હતું કે વિઝિબિલિટી (દૃશ્યતા) શૂન્ય થઈ ગઈ હતી.
સાપુતારાના મુખ્ય માર્ગો પર ધુમ્મસના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને સાપુતારાના સ્વાગત સર્કલથી ટેબલ પોઈન્ટ સુધીના રસ્તા પર ધુમ્મસનું પ્રમાણ ખૂબ જ વધારે હતું. ઝીરો વિઝિબિલિટીના કારણે વાહન ચાલકોને પોતાની ગાડી ધીમી ગતિએ ચલાવવાની ફરજ પડી હતી.
આમ છતાં, વરસાદ અને ધુમ્મસના આ અદ્ભુત સંયોજનને કારણે સાપુતારાનું સૌંદર્ય વધુ ખીલી ઉઠ્યું હતું. પ્રવાસીઓ આહલાદક વાતાવરણનો આનંદ માણવા માટે બહાર નીકળ્યા હતા અને કુદરતી સૌંદર્યને કેમેરામાં કંડારી રહ્યા હતા. આ વાતાવરણ પ્રવાસીઓને શિયાળા જેવો અનુભવ કરાવી રહ્યું છે. આ ગાઢ ધુમ્મસ સાપુતારાની સુંદરતામાં વધારો કરી રહ્યું છે અને પ્રકૃતિ પ્રેમીઓ માટે આ એક અદ્ભુત અનુભવ સાબિત થઈ રહ્યો છે.