અમદાવાદ જિલ્લાના ધોળકા નજીક આવેલા ખેડા-બગોદરા હાઈવે પર રામપુર ગામ પાસે ગમખ્વાર માર્ગ અકસ્માતમાં કેટરિંગનો વ્યવસાય કરતા એક યુવકનું કરૂણ મૃત્યુ નીપજ્યું છે, જ્યારે તેમની પત્ની ઇજાગ્રસ્ત થયા છે. આ દંપતી વૌઠાના મેળામાંથી પોતાના ઘેર પરત ફરી રહ્યું હતું ત્યારે આઇસર ટ્રકના બેદરકાર ડ્રાઇવરે તેમને અડફેટમાં લીધા હતા.
ગંભીર અકસ્માતમાં 1નું મોત
પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક યુવકનું નામ હાર્દિકભાઈ કનુભાઈ પટેલ (ઉં.વ. 34) છે. હાર્દિકભાઈ તેમની પત્ની કિંજલબેન સાથે મોટરસાયકલ પર સવાર થઈ વૌઠાના મેળામાંથી પરત ફરી રહ્યા હતા. જ્યારે તેઓ ધોળકા તરફ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે સામેથી આવેલા આઇસર ટ્રક અડફેટે લીધા હતા. જેમાં તેમનું કરૂણ મોત થયું હતું.
આઇસર ટ્રક અડફેટે યુવકનું કરૂણ મોત
હાર્દિકભાઈને શરીર પર ગંભીર ઈજાઓ થતા તથા કિંજલબેનને પણ ઈજાઓ થતાં બંનેને તાત્કાલિક ધોળકાની પાર્શ્વનાથ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. જોકે, સારવાર દરમિયાન ડોક્ટરોએ હાર્દિકભાઈને મૃત જાહેર કર્યા હતા. આ દુર્ઘટનાના પગલે હાર્દિકભાઈના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતક હાર્દિકભાઈના પરિવારમાં તેમની પત્ની કિંજલબેન અને 7 વર્ષની પુત્રી એ પિતાની છત્રછાયા ગુમાવી છે. ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં બેદરકારીભરી રીતે વાહન હંકારી ગંભીર અકસ્માત સર્જવા બદલ ટ્રેક ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે





















