logo-img
Chief Ministers Big Announcement

મુખ્યમંત્રીની મોટી જાહેરાત : હવે ગ્રામ પંચાયત અને આવાસ થશે આધુનિક

મુખ્યમંત્રીની મોટી જાહેરાત
Published by: Offbeat Team
| Last Updated: Aug 22, 2025, 10:35 AM IST

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામ પંચાયત ઘર કમ તલાટી-મંત્રી આવાસ યોજનામાં 100 ટકા સેચ્યુરેશન લાવવાના હેતુસર રાજ્યમાં 2055 નવીન ગ્રામ પંચાયત ઘરો માટે 489.95 કરોડ રૂપિયાનું અનુદાન મંજૂર કર્યુ છે. ત્રિસ્તરિય પંચાયતી રાજ વ્યવસ્થાનો મહત્વનો અને પાયાનો એકમ એવી ગ્રામ પંચાયતોને પોતિકા પંચાયત ઘર ઉપલબ્ધ થાય તેવો ઉદ્દેશ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ માતબર અનુદાન મંજૂર કરવામાં રાખ્યો છે.

રાજ્યની જર્જરિત પંચાયત ઘર ધરાવતી અને પંચાયત ઘર ધરાવતી ન હોય તેવી ગ્રામ પંચાયતોને નવીન પંચાયત ઘર તેમજ તલાટી કમ મંત્રી આવાસ નિર્માણ માટે રાજ્ય સરકારના પંચાયત વિભાગ દ્વારા દર વર્ષે બજેટમાંથી નાણાં ફાળવવામાં આવે છે અને જરૂરીયાત મુજબ પંચાયત ઘરોનું નિર્માણ પણ થાય છે. 10 હજારથી વધુ વસ્તીવાળા ગામોને રૂ.40 લાખ, 5 થી 10 હજાર સુધીની વસ્તી ધરાવતા ગામોને રૂ.34.83 લાખ અને 5 હજારથી ઓછી વસ્તી ધરાવતા ગામોને 25 લાખ રૂપિયાનું અનુદાન ગ્રામ પંચાયત ઘર-તલાટી કમ મંત્રી આવાસ બનાવવા માટે અપાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં પ્રથમવાર એકસાથે રાજ્યની 2055 ગ્રામ પંચાયતોમાં નવીન પંચાયત ઘર માટે જે તે ગામની વસ્તી આધારિત યુનિટ કોસ્ટ મુજબ સમગ્રતયા 489.95 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે તેના પરિણામે મોટા ભાગની ગ્રામ પંચાયતો આ વર્ષમાં જ પોતાના મકાનોનું નિર્માણ કાર્ય હાથ ધરી શકશે.એટલું જ નહિ, આધુનિક સવલતો સાથેની ગ્રામ પંચાયત કચેરીઓ દ્વારા નાગરિકોને ગ્રામ્ય સ્તરે જ સરળતાથી અને ઝડપી સરકારી સેવાઓ મળી રહે એવો સકારાત્મક અભિગમ પણ મુખ્યમંત્રીએ અપનાવ્યો છે.

આ ઉપરાંત પંચાયત વિભાગની અન્ય યોજનાઓમાં આવરી લેવાયેલી ગ્રામ પંચાયતોમાં પણ આવા પંચાયત ઘરોના નિર્માણમાં 100 ટકા સેચ્યુરેશન લાવવાની કામગીરી પ્રગતિમાં છે. આ કામગીરી પૂર્ણ થતાં રાજ્યની બધી જ ગ્રામ પંચાયતો પોતિકા ગ્રામ પંચાયત ઘરોથી સુસજ્જ બનશે અને ગ્રામીણ નાગરિકોને ઘર આંગણે જ ઝડપી સરકારી સેવાઓ મળતી થશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now