અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં આવેલા શહેરના ત્રીજા સૌથી મોટા તળાવમાં આજે મેગા ડિમોલિશનની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઈસનપુર તળાવના આસપાસ વર્ષોથી થયેલા દબાણોને દૂર કરવા માટે AMC દ્વારા વિશાળ અભિયાન હાથ ધરાયું, જેમાં 20 JCB મશીનો, 500 મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ, શ્રમિકો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં કુલ 20 ટીમો દ્વારા 900 જેટલા બાંધકામો દૂર કરાયા છે.
925 રહેણા ઘર તોડી પાડ્યાં
આ કાર્યવાહી દરમ્યાન 925 રહેણાક અને 167 કોમર્શિયલ બાંધકામો તોડવામાં આવ્યા હતા. ઈસનપુર વિસ્તારમાં 1,000થી વધારે લોકો રહેતા હોવાથી ડિમોલિશનની અસર મોટી સંખ્યામાં પરિવારો પર પડી છે. ઘર આપ્યા વિના માત્ર ફોર્મ ભરાવ્યાં હોવાના આક્ષેપો સાથે ઘણાં પરિવારો બેઘર બન્યા હતા, જેના કારણે અનેક મહિલાઓ રડી પડી અને તેઓએ પોતાની વ્યથા ઠાલવી હતી.
90,000 ચોરસ મીટર વિસ્તાર ખુલ્લો થયો
ડિમોલિશન બાદ ઇસનપુર તળાવનો લગભગ 90,000 ચોરસ મીટર વિસ્તાર ખુલ્લો થયો છે, જે AMC માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. તળાવમાંથી દબાણ દૂર કરવાની કામગીરીને ચાર ભાગમાં વહેંચવામાં આવી છે અને દરેક ભાગમાં મશીનો અને કર્મચારીઓની મોટી ટુકડી કાર્યરત હતી. ઈસનપુરનાં લોકો માટે આ દિવસ ભારે સાબિત થયો છે. એક તરફ મોટી કાર્યવાહી, અને બીજી તરફ અનેક પરિવારોનું આશ્રય ગુમાવવાનું દુઃખ.




















