બોટાદ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ગત મોડી રાત્રે બોટાદ શહેર સહિત ગઢડા, રાણપુર અને બરવાળા તાલુકાઓમાં ભારે માવઠું પડતાં ખેતીમાં વ્યાપક નુકસાન થયું છે. ખાસ કરીને કપાસ, મગફળી, બાજરી અને જુવાર જેવા પાકોને નુકસાન પહોંચ્યું છે. ઘણા ખેતરોમાં તૈયાર મગફળી પડેલી હોવાથી વરસાદના પાણીએ પાક બગાડવાની ભીતિ ઊભી થઈ છે.
બોટાદ APMC આવતીકાલથી ચાર દિવસ સુધી રહેશે બંધ
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બોટાદ APMC (કૃષિ ઉત્પાદન બજાર સમિતિ) દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. APMCના ચેરમેન મનહરભાઈ માતરીયાએ જાહેરાત કરી છે કે 28 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી યાર્ડ બંધ રહેશે. તેમણે જણાવ્યું કે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં વધુ વરસાદની શક્યતા છે, તેથી ખેડૂતની જણસી (પેદાશ)ને નુકસાન ન થાય તે માટે ચાર દિવસ માટે યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ચેરમેનએ ખેડૂતોને અપીલ કરી
ચેરમેન મનહરભાઈએ ખેડૂતોને અપીલ કરી છે કે આ ચાર દિવસ દરમિયાન પોતાની જણસી માર્કેટ યાર્ડમાં ન લાવે. યાર્ડ 1લી નવેમ્બરથી રાબેતા મુજબ ફરી શરૂ થશે.
ખેતીપાકમાં નુકસાન
આ વચ્ચે, ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. માવઠાના કારણે પાક બગડવાની સ્થિતિ ઊભી થતાં ખેડૂતો સરકારે તાત્કાલિક સર્વે કરીને યોગ્ય નુકસાન સહાય આપવાની માંગ કરી છે. ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં ખેતરોમાં પ્રવેશ મુશ્કેલ બન્યો છે. ખેડૂત સંગઠનોનું કહેવું છે કે, છેલ્લા કેટલાક દિવસોથી અસ્થિર હવામાનના કારણે ખેતીમાં સતત નુકસાન થઈ રહ્યું છે, અને હવે સરકારે ઝડપી પગલાં લઈ ખેડૂતોને રાહત આપવી જોઈએ.




















