નવસારીમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના ગાંધી ફાટક પાસે આવેલી હેપ્પી સ્ટે નામની હોટલમાં એક યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. મળતી માહિતી મુજબ, મૃતક યુવક પોતાની મહિલા મિત્ર સાથે હોટલમાં રોકાયો હતો. બંને હોટલમાં આવ્યા બાદ થોડા સમય પછી યુવક બાથરૂમમાં ગયો હતો, પરંતુ લાંબા સમય સુધી બહાર ન આવતા યુવતીને શંકા ઉઠી.
બાથરૂમમાં લટકેલી હાલતમાં મૃતદેહ મળ્યો
તેણે તરત જ હોટલના રિસેપ્શનને જાણ કરી, જેના બાદ હોટલ સ્ટાફે દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો. ત્યાં યુવક હળપતિનું બાથરૂમમાં લટકેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ નવસારી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી છે.
પોલીસે તપાસ હાથધરી
પ્રાથમિક તારણ મુજબ આ મામલો આત્મહત્યાનો લાગે છે, પરંતુ પોલીસએ હજુ કોઈ નિશ્ચિત નિવેદન આપ્યું નથી. યુવકના મોત પાછળનું સાચું કારણ જાણવા માટે પોલીસ હોટલના CCTV ફૂટેજ તપાસી રહી છે તેમજ યુવતી અને હોટલ સ્ટાફના નિવેદનો પણ લેવામાં આવી રહ્યા છે.




















