સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી એક હીરાની કંપનીમાં થયેલી રૂ. 32 કરોડથી વધુની ચોરીના મામલામાં મોટો ખુલાસો થયો છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે આ ચોરીનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે અને આ ઘટના ચોરી નહિ, પરંતુ કંપનીના માલિક દ્વારા જ વીમો પકવવા માટે રચવામાં આવેલું એક કાવતરું હતું. આ મામલે પોલીસે કંપનીના માલિક દેવેન્દ્ર ચૌધરી સહિત કુલ 9 આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસની શંકા: ક્રાઈમનું એનાલિસિસ અને પુરાવાઓ
પોલીસને શરૂઆતથી જ આ કેસમાં શંકા હતી. ક્રાઈમ સીનનું એનાલિસિસ કરતા અનેક વિસંગતતાઓ જોવા મળી. કંપનીના દરવાજાનું લોક કોઈ સાધન વડે તોડવામાં આવ્યું ન હતું, જે ચોરીના કિસ્સામાં અસામાન્ય હોય છે. આ ઉપરાંત, કંપનીમાં સિક્યોરિટીનો અભાવ, ફાયર સેફ્ટી સિસ્ટમ બંધ હોવી, અને બિલ્ડિંગના સીસીટીવી કેમેરા પણ ઓછા કરી દેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું.
ચોરી થયેલા ડીવીઆર (DVR) પણ માત્ર એક જ હતા, જ્યારે સામાન્ય રીતે અનેક ડીવીઆર હોય છે. સૌથી મહત્વની વાત એ હતી કે કંપનીમાં કુલ 12 લોકમાંથી 10 લોકની ચાવીઓ પોલીસને મળી આવી હતી, પરંતુ બાકીની બે ચાવીઓ ગુમ હતી, જેણે પોલીસની શંકાને વધુ મજબૂત બનાવી.
દેવામાં ડૂબેલા માલિકનું તરકટ
પોલીસની પૂછપરછમાં કંપનીના માલિક દેવેન્દ્ર ચૌધરીએ આ ચોરીનું તરકટ રચ્યાનો સ્વીકાર કર્યો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે કોવિડ બાદ દેવેન્દ્ર ચૌધરી આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. તેમને વેપારીઓનું રૂ. 25 કરોડ અને બેંક લોનનું રૂ. 13 કરોડનું દેવું હતું. આ દેવું ચૂકવવા અને વીમાની મોટી રકમ મેળવવા માટે તેમણે આ કાવતરું ઘડ્યું હતું. અગાઉ ચાર વર્ષ પહેલા કતારગામમાં પણ તેમના રૂ. 8 લાખના હીરાની લૂંટ થઈ હતી અને તે સમયે પણ તેમણે વીમો પકવી રૂપિયા મેળવ્યા હતા.
ચોરીનું આયોજન અને આરોપીઓ
આ કાવતરામાં દેવેન્દ્ર ચૌધરીએ પોતાના પુત્ર, ડ્રાઈવર, અને અન્ય આરોપીઓને સામેલ કર્યા હતા. તેમણે ડ્રાઈવર વિકાસને આ ચોરી માટે રૂ. 25 લાખ આપવાનું નક્કી કર્યું હતું. વિકાસના સંપર્કમાં હનુમાન નામનો એક ઇસમ હતો, જે મહારાષ્ટ્રથી ત્રણ વ્યક્તિઓને ચોરી કરવા માટે લઈ આવ્યો હતો.
હનુમાને ઘટનાના પંદર દિવસ પહેલા કંપનીની રેકી કરી હતી અને એક દિવસ પહેલા ચોરીનો ડેમો પણ કર્યો હતો, જેમાં તિજોરી કાપવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. આ ઘટના માટે આરોપીઓ કડોદરાની એક દુકાનમાંથી ગેસ સિલિન્ડર ભાડે લઈ આવ્યા હતા. 17 અને 18 ઓગસ્ટની રાત્રે આ ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. આરોપીઓ ઘટના સ્થળે પહોંચે તે પહેલાં જ રૂ. 5 લાખ રોકડા તિજોરીમાં મૂકી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત, તિજોરીમાં પહેલાથી જ કાચના ટુકડા અને અન્ય સામાન મૂકી દેવામાં આવ્યો હતો જેથી તે ચોરી જેવી લાગે.
પોલીસની સફળતા અને વધુ તપાસ
પોલીસે ગુનાનો ભેદ ઉકેલવા માટે ક્રાઈમ બ્રાન્ચ સહિત 150 જેટલા પોલીસ અધિકારીઓ અને સ્ટાફની ટીમ બનાવી હતી. આરોપીઓ ગેસ કટર લઈને રિક્ષામાં અને બાદમાં ટેમ્પોમાં ફરાર થતા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. પોલીસે ફરાર થવા જતા આરોપી વિકાસને દુબઈથી પકડી પાડ્યો હતો અને તેની પાસેથી રૂ. 2.5 લાખ પણ રિકવર કર્યા છે.
આ કેસમાં કુલ નવ આરોપીઓ સામેલ છે. પોલીસ હવે એ પણ તપાસ કરી રહી છે કે આ કેસમાં જીએસટી ચોરી પણ કરવામાં આવી છે કે કેમ. આ કાવતરામાં ઇન્સ્યોરન્સ કંપનીના કોઈ કર્મચારીની સંડોવણી છે કે કેમ તે પણ તપાસનો વિષય છે. આરોપીઓ વિરુદ્ધ કાવતરા, છેતરપિંડી, અને અન્ય સંબંધિત કલમો હેઠળ વધુ ગુનાઓ નોંધવામાં આવશે.