ગઈકાલે અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં ભયાનક બનાવ બન્યો હતો. ધોરણ 10માં અભ્યાસ કરતા 15 વર્ષના વિદ્યાર્થી પર તેના જ સ્કૂલના ધોરણ 9ના વિદ્યાર્થીએ છરી વડે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત થયું છે. જેને શાળામાં અંદાજીત 2000 લોકોનું ટોળું એકઠું થયું હતું. ત્યારે આજે પણ સિંધી સમાજ દ્વારા અમુક વિસ્તારો બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
હકીકતમાં આજે મણિનગર કાંકરિયા અને ઇસનપુર બંધનું એલાન કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ VHP અને વેપારી એસો દ્વારા આ બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે કાંકરિયા, મણિનગર, ખોખરા, ઇસનપુર આસપાસની 200 શાળાઓ દ્વારા સ્વયંભૂ બંધ કરવામાં આવી છે. એટલું જ નહી પણ સવારે શરૂ થયેલ શાળાઓમાં પણ આજે રજા આપી દેવામાં આવી છે. આ એલાનમાં ઇમરજન્સી સેવા સિવાય તમામ શાળાઓ કોલેજો અને માર્કેટ બંધ રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.
હાલમાં તણાવભર્યા વાતાવરણને ધ્યાને રાખી મણિનગર કાંકરિયા અને ઇસનપુર વિસ્તારોમાં પોલીસ તૈનાત છે, પોલીસ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાનો પ્રયાસ કરી રહી છે. તંત્રએ ખોટી અફવાહો ન ફેલાય તે માટે જાહેર માધ્યમો વડે શાંતિ જાળવવાની અપીલ પણ કરી રહ્યા છે. આ ઘટનાની તપાસ પોલીસે શરૂ કરી દીધી છે અને આરોપી અંગે વિગતો મળવી બાકી છે. શહેરવાસીઓમાં આ ઘટના બાદ ભય અને ચિંતાનો માહોલ બની ગયો છે.