ગુજરાતના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રીનો ચાર્જ અર્જુન મોઢવાડિયાએ આજે વિધિવત રીતે સંભાળ્યો છે. પૂજા પાઠ બાદ અર્જુન મોઢવાડિયાએ પોતાના કાર્યાલયમાં મંત્રી તરીકેની જવાબદારી સ્વીકારી હતી. તેમણે વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, તેમજ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગોનો ચાર્જ સંભાળ્યો છે.
''આજથી કામગીરી શરૂ કરી છે''
ચાર્જ સંભાળ્યા બાદ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, “આજે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે અને આજથી કામગીરી શરૂ કરી છે.” તેમણે વધુમાં કહ્યું કે આજે જ વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગની બેઠક બોલાવવામાં આવી છે, જેમાં વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા અને પરામર્શ કરવામાં આવશે.
“આ બધા વિભાગો પ્રધાનમંત્રીના પ્રિય વિભાગો છે''
મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, “આ બધા વિભાગો પ્રધાનમંત્રીના પ્રિય વિભાગો છે અને આ ક્ષેત્રોમાં રાજ્યને આગળ વધારવા માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવશે.”
કામગીરીને ગતિ આપવા સૂચન કર્યા
મોઢવાડિયાએ સ્પષ્ટ કર્યું કે પર્યાવરણનું સંરક્ષણ, નવીન ટેક્નોલોજીનો વિકાસ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણને પ્રોત્સાહન આપવાનું તેમનું મુખ્ય ધ્યેય રહેશે. આજના દિવસથી તેમણે તમામ વિભાગોની કામગીરીને ગતિ આપવા માટે સૂચનાઓ પણ આપી છે.




















