ગઈકાલે અમદાવાદમાં ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી નાની બાબતમાં ધો-9ના વિદ્યાર્થીએ ધો-10ના સ્ટુડન્ટને છરી મારી દીધી હતી. ત્યાર બાદ 20 ઓગસ્ટ, 2025ની સવારે મણિનગરની પ્રાઇવેટ હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનો જીવ જતો રહ્યો હતો. જેના કારણે બાળકના પરિજનોએ સ્કૂલે પહોંચી પ્રિન્સિપાલ સાથે તમામ સ્ટાફને માર માર્યો અને તોડફોડ કરી.
મૃતક વિદ્યાર્થીની અંતિમયાત્રા ઘરેથી નીકળી ગઈ છે. અંતિમયાત્રા સેવન્થ ડે સ્કૂલ પરથી જ નીકળશે ત્યારે સ્કૂલ પર પહેલેથી જ મોટી સંખ્યામાં લોકો ભેગા થયેલા હોવાથી ક્રાઇમ બ્રાન્ચ પણ એલર્ટ થઇ ગઈ છે. આ સાથે હવે સમગ્ર કેસની તપાસ પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવશે.
સવારે 11 વાગ્યા સુધીમાં વિદ્યાર્થીના મોત બાદ ગુસ્સે ભરાયેલા સિંધી સમાજના લોકોનું ટોળું શાળામાં ઘૂસ્યું અને સામે જે મળ્યું તેને માર માર્યો. પાર્કિંગમાં પડેલા તમામ સાધનો પર ભારે તોડફોડ મચાવી. તોડફોડ મચાવ્યા બાદ એક સ્ટાફની બોચી પકડી તેને ઉપરના માળે લઇ ગયા. એટલું જ નહિ પરંતુ પ્રિન્સિપાલ અને અન્ય સ્ટાફ સામે મળતા તેમને પણ માર માર્યો અને શાળાની મિલકતને નુકસાન પહોચાડ્યું. સ્થિતિ ગંભીર થતા પોલીસ પણ શાળાએ પહોંચી આવી હતી.
લોકોના ટોળાએ પોલીસની હાજરીમાં પણ સ્ટાફને માર માર્યો હતો. સ્થિતિ એટલી ભયાનક બની ગઈ હતી કે પોલીસ સ્ટાફને બચાવીને લઈ જતી હતી ત્યારે પણ ટોળું માર મારતું હતું અને પોલીસની ગાડી પણ ટોળાએ ઉંચી કરી નાખી હતી. બાદમાં ગુસ્સે ભરાયેલા ટોળાએ શાળાની બહાર આવીને રોડ પર બેસીને ચક્કાજામ કર્યો હતો.
પરિસ્થિતિ ગંભીર થતા મણિનગરના ધારાસભ્ય, ડીસીપી બળદેવ દેસાઈ અને ACP સ્કૂલે પહોંચ્યા હતા. તેમજ બજરંગ દળ, VHP, ABVPના કાર્યકર્તાઓ કેસરી ખેસ પહેરી જય શ્રીરામના નારા લગાવી સ્કૂલે પહોંચ્યા હતા.