આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ટેકાના ભાવે મગફળીની ખરીદી મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું હતું કે, ''ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે અત્યારથી જ ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે કે અમારી મગફળીની કેટલી ખરીદી કરવામાં આવશે. જો સરકાર ખેડૂતોને લાભ આપવા માંગતી હોય તો તો એક ખેડૂત દીઠ 90 હજારથી એક લાખ રૂપિયા સરકારે ખેડૂતના ખાતામાં નાખી દેવા જોઈએ. જો સરકાર એવું ના કરી શકે તો ભાવ ફેર ખેડૂતોના ખાતામાં જમા કરી દેવા જોઈએ. જેમ કે, મગફળી નો ટેકાનો ભાવ 1452 છે અને બજારમાં ₹1,000 વેચાય છે તો આ બંને રકમની વચ્ચેનો જે ગેપ છે એ ખેડૂતોના ખાતામાં જમા કરી દેવા જોઈએ''.
''...એમાં પણ કડદા કરશે''
તેમણે સરકાર પર તીખા પ્રહાર કરતા કહ્યું હતું કે, ''ભાજપે પોતાના લાભાર્થી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરીને કરોડો રૂપિયા કમાઈ શકે અને ખેડૂતોને લૂંટી શકે તેના માટે ષડયંત્ર રચ્યું છે. અમે માંગણી કરીએ છીએ કે, આ વખતે સરકાર દરેક ખેડૂત પાસેથી ઓછામાં ઓછી 250 મણ મગફળીની ખરીદી કરે. નવી સરકારને હું વિનંતી કરું છું કે ઓછામાં ઓછી 250 મણ મગફળીની ખરીદી કરજો. અત્યારે 70 થી 80 મણ મગફળીની ખરીદી કરવાની વાત સામે આવી છે જો આટલી જ મગફળીની સરકાર ખરીદી કરશે તો બાકીની જે મગફળી ખેડૂતના ખેતરમાં પડી છે એનું શું થશે? એટલે ખેડૂતો પછી વેપારીઓને એ મગફળી આપી દેશે અને ભાજપ એમાં પણ કડદા કરશે''.
''હું આંદોલન ઉપર ઉતરીશ...''
ઈસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે, ''વેપારીઓ ₹1,000માં ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરશે અને પછી અલગ અલગ ખાતામાંથી ટેકાના ભાવે પોતે 1,452 રૂપિયામાં વેંચી દેશે. ખેડૂતોને આ રીતે લૂંટવાનું સરકાર બંધ કરે અને જો 250 મણથી એક પણ મણ ઓછી ખરીદી કરવામાં આવશે તો હું આંદોલન ઉપર ઉતરીશ અને એની સંપૂર્ણ જવાબદારી ગુજરાતની ભાજપ સરકારની રહેશે. હું મુખ્યમંત્રીને પણ કહું છું કે તમે બિલ્ડર છો વેપારી છો અને તમને ખેતી વિશે ખબર નથી. અમારા ખેડૂતો સામે તો જુઓ આ જ ભોળા ખેડૂતો ભાજપ કહીને તમને મત આપી દે છે પરંતુ એ જ ખેડૂતો પાસે પોતાના બાળકોને ફી ભરવાના પૈસા નથી પોતાની પત્નીના દાગીના ગીરવે મૂકીને બાળકોની ફી ભરવાની તે કોશિશ કરી રહ્યા છે ત્યારે એમને પૂરતા ભાવ મળે અને એમની પાસેથી મગફળીની પૂરતી ખરીદી કરવામાં આવે એવી અમારી માંગ છે''.





















