સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક યુવક મસ્તી-મજાક કરતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. મિત્રો સાથે મસ્તી કરતી વખતે અચાનક પગ લપસી જતાં તેના હાથમાં રહેલી કાતર સીધી છાતીમાં ઘૂસી ગઈ હતી. ગંભીર હાલતમાં તે તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો.
આ ઘટનાથી હોસ્પિટલના તબીબો અને સ્ટાફ ચોંકી ગયા હતા. યુવકની છાતીમાં કાતર ઊંડે સુધી ખૂંપેલી હતી, જેના કારણે તેની હાલત નાજુક બની ગઈ હતી. જોકે, તબીબોએ સમયસૂચકતા વાપરીને તાત્કાલિક તેની સારવાર શરૂ કરી. વધુ કોઈ ઈજા ન થાય તે રીતે અત્યંત કાળજીપૂર્વક યુવકની છાતીમાંથી કાતર બહાર કાઢવામાં આવી.
શું બની હતી ઘટના?
મળતી માહિતી મુજબ, યુવક તેના મિત્રો સાથે મસ્તી કરી રહ્યો હતો. આ મસ્તી દરમિયાન અચાનક તેનો પગ લપસી ગયો અને તેના હાથમાં રહેલી કાતર સંતુલન ગુમાવતાં તેની છાતીમાં ઘૂસી ગઈ. દર્દના કારણે યુવક ચીસો પાડી ઉઠ્યો અને તેને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો.
હોસ્પિટલ પહોંચ્યા બાદ તબીબોએ યુવકની પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લીધી. તેમણે તરત જ ઓપરેશન શરૂ કર્યું. સફળતાપૂર્વક કાતર બહાર કાઢી લીધા બાદ હાલ યુવકની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે નાની-નાની બેદરકારી પણ કેટલી ગંભીર સાબિત થઈ શકે છે.