અરવલ્લીના આલિંગનમાં વસેલું અંબાજી ધામ માત્ર ગુજરાત માટે નહીં પરંતુ સમગ્ર ભારત માટે શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર છે. અહીં દર વર્ષે ભાદરવા સુદ પૂનમે યોજાતો મહામેળો આસ્થાનો અનોખો ઉત્સવ ગણાય છે. લાખોની સંખ્યામાં અહીં ભક્તો માતાજીના દર્શનાર્થે દૂર દૂરથી પગપાળા, વાહનવ્યવહારથી તથા વિવિધ સાધનો દ્વારા અંબાજી પહોંચે છે. શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે દર વર્ષે જિલ્લા વહીવટી તંત્ર અને અંબાજી ટ્રસ્ટ દ્વારા મહા મેળાનું સુચારુ આયોજન કરાય છે.
પગપાળા યાત્રાનો વૈભવ
આ મહા મેળાની વિશિષ્ટતા એ છે કે, લાખો ભક્તો પોતાના ગામ કે શહેરમાંથી માતાજીની જય ઘોષ સાથે પગપાળા યાત્રા પર નીકળે છે. રસ્તામાં ભક્તિગીતો, ભજન-કીર્તન અને ધૂન ગાતા ગાતા યાત્રીઓ અંબાજી ધામે પહોંચે છે. આ યાત્રા માત્ર પ્રવાસ નહીં પરંતુ એક અનોખો આધ્યાત્મિક અનુભવ બને છે.
અખંડ આસ્થાનો ઝળહળતો મેળો
પૂનમના દિવસે અંબાજી મંદિર ભક્તોથી છલકાય છે. સવારથી જ “જય અંબે માઁ” ના નાદ ગુંજતા રહે છે. મંદિર પરિસરમાં દીવાદાંડી, ભક્તિગીતો, જાપ અને આરતીના દ્રશ્યો મનને મંત્રમુગ્ધ કરી દે છે.
ગુજરાત સરકાર અને વહીવટી તંત્રની વિશેષ વ્યવસ્થાઓ
લાખો ભક્તોના આગમનને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરાય છે. આરોગ્ય સેવાઓ માટે તબીબી ટિમો તથા 108 એમ્બ્યુલન્સ, પોલીસ તથા સ્વયંસેવકોની મદદથી સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા, પાણી, વીજળી, સફાઈ તથા રહેવા-જમવાની સુવિધાઓ માટે ખાસ આયોજન કરાય છે. દર વર્ષે ટેક્નોલોજી આધારિત વ્યવસ્થા, સીસીટીવી અને કંટ્રોલ રૂમ દ્વારા મેળાનું સુચારુ સંચાલન થાય છે.
આર્થિક અને સામાજિક પ્રભાવ
ભાદરવી પૂનમનો મેળો એ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ આર્થિક અને સામાજિક રીતે પણ મહત્વનો છે. મેળા દરમિયાન વેપારીઓ, હસ્તકલા કલાકારો તથા નાના વેપારીઓને વિશાળ રોજગારી અને આવકના અવસર મળે છે. સાથે સાથે મેળો ભક્તોને સાંસ્કૃતિક એકતાનો અહેસાસ પણ કરાવે છે.
અંબાજી – શ્રદ્ધાનું શાશ્વત ધામ
અંબાજી ધામ 51 શક્તિપીઠોમાંનું એક પવિત્ર સ્થાન છે. અહીં માતાજીની કૃપા મેળવવા ભક્તો વર્ષભર આવતા હોય છે, પરંતુ ભાદરવી પૂનમનો મેળો માતાજીની અપરંપાર લોકપ્રિયતા અને ભક્તિના ઉમળકાનો જીવંત પુરાવો છે. અંબાજી ધામ પ્રાચીન કાળથી ભક્તિનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. અહીં કોઈ પ્રતિમા નથી પરંતુ ગર્ભગૃહમાં માત્ર “શ્રી યંત્ર” ની સ્થાપના કરવામાં આવી છે.