ગઈકાલે અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં ભયાનક બનાવ બન્યો હતો. ધોરણ 10માં અભ્યાસ કરતા 15 વર્ષના વિદ્યાર્થી પર તેના જ સ્કૂલના ધોરણ 9ના વિદ્યાર્થીએ છરી વડે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત થયું હતું. જેને શાળામાં અંદાજીત 2000 લોકોનું ટોળું એકઠું થયું હતું. અને ભારે તોડફોડ પણ કરવામાં વી હતી. આ બાબતે હવે મહિલા બાળ આયોગના ચેરપર્સન ધર્મિષ્ઠાબેન ગજ્જરે નિવેદન આપ્યું છે.
ધર્મિષ્ઠાબેન ગજ્જરે કહ્યું કે, "ગઈકાલ ની ઘટના ખૂબ ગંભીર છે. શિક્ષણ વિભાગે પણ નોટિશ પાઠવી છે. એટલું જ નહીં ગૃહ વિભાગ, બાળ આયોગ સહિત લાગતા વળગતા તમામ વિભાગ એક્શન મા છે." તેમણે વધુમાં ઉમેર્યું, "બાળકોની આ ઉમંરમાં વિકૃતતા વધુ જોવા મળે છે. મહિલા બાળ વિકાસ વિભાગ તરફથી રિપોર્ટ માંગ્યો છે. શિક્ષણ વિભાગ પણ તમામ તપાસ કરીને પગલાં લેશે. હાલના સમયમાં માતા-પિતાએ કે શિક્ષકોએ બાળકોના સંકલનમાં રહેવું જોઈએ."
આ મામલે આજે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં બંધનું એલાન કરવામાં આવ્યું હતું
આજે મણિનગર, કાંકરિયા અને ઇસનપુર બંધનું એલાન કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ VHP અને વેપારી એસો દ્વારા આ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. ત્યારે કાંકરિયા, મણિનગર, ખોખરા, ઇસનપુર આસપાસની 200 શાળાઓ બંધ કરવામાં આવી હતી. એટલું જ નહી પણ સવારે શરૂ થયેલ શાળાઓમાં પણ આજે રજા આપી દેવામાં આવી હતી. આ એલાનમાં ઇમરજન્સી સેવા સિવાય તમામ શાળાઓ કોલેજો અને માર્કેટ બંધ રાખવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
સ્કૂલ પર હુમલા મામલે 500થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાઈ
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના મામલે બુધવારે સ્કુલમાં મારામારી અને તોડફોડ થયા બાદ પોલીસ સક્રિય થઇ છે. આ મામલે સ્કુલના એડમીન મુયુરિકા પટેલે 500 થી વધુ લોકો વિરુધ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આક્રોશેભારાયેલા ટોળાએ સ્કૂલના ક્લાસરૂમ, ઓફિસ અને બસના કાચ તોડી નાખ્યા હતા. આ સિવાય, એલસીડી અને કોમ્પ્યુટર સહિત ઘણી મિલકતોને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. સ્કૂલના મેનેજમેન્ટે અંદાજે 15 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનો દાવો કર્યો છે. આ ઘટના બાદ ખોખરા પોલીસે રાયોટિંગ, મારામારી, અને જાહેર મિલકતને નુકસાન પહોંચાડવા જેવી કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.