ભાજપના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે તે અંગે લાંબા સમયથી અટકળો ચાલી રહી છે. ટૂંક સમયમાં નવા અધ્યક્ષની પસંદગી થઈ શકે તેવી ચર્ચાઓ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ અંગે સંકેત આપતા કહ્યું છે કે, બિહાર વિધાનસભા ચૂંટણી પછી નવા અધ્યક્ષનું નામ જાહેર થઈ શકે છે.
ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ ક્યારે ચૂંટાશે?
બિહાર ચૂંટણી વચ્ચે એક મીડિયાને આપેલા ઈટરવ્યુમાં અમિત શાહને પૂછવામાં આવ્યું કે, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ ક્યારે ચૂંટાશે?, ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે, "તે ચૂંટણીઓ (બિહાર ચૂંટણીઓ) પછી જ થશે. અમે ચૂંટણીઓ પછી કરવાનો પ્રયાસ કરીશું". જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું કોઈ નિર્ણય લેવામાં આવ્યો છે?, ત્યારે શાહે કહ્યું, "કોઈ એકલોનો નિર્ણય હોતો નથી, પક્ષ નિર્ણય લે છે. પરંતુ મને લાગે છે કે, તે ચૂંટણીઓ પછી લેવાશે" નોંધનીય છે કે જેપી નડ્ડા હાલમાં ભાજપનું નેતૃત્વ કરી રહ્યા છે, અને તેમનો કાર્યકાળ પહેલાથી જ લંબાવવામાં આવ્યો છે.
રેસમાં કોણ છે?
સૂત્રો અનુસાર, ભાજપ પ્રમુખ બનવા માટે ઘણા નામો દોડમાં છે. જેમાં કેન્દ્રીય મંત્રીઓ શિવરાજ સિંહ ચૌહાણ, મનોહર લાલ ખટ્ટર, ભૂપેન્દ્ર યાદવ અને ધર્મેન્દ્ર પ્રધાનના નામનો સમાવેશ થાય છે. જોકે, પાર્ટી હંમેશા આશ્ચર્યજનક નિર્ણયો લેવા માટે જાણીતી રહી છે, તેથી આ યાદીમાં નવા નામો ઉમેરી શકાય છે. હાલમાં, ભાજપે કોઈ નામની પુષ્ટિ કરી નથી, અને અટકળો ચાલી રહી છે.





















