બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટેનું મતદાન 11 નવેમ્બરના રોજ યોજાવાનું છે. તેના થોડા દિવસો પહેલાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીતામઢીમાં મહાગઠબંધન પર તીવ્ર પ્રહાર કર્યા હતા. તેમણે આરજેડી પર આક્ષેપ કરતાં જણાવ્યું કે “જંગલ રાજના દિવસો યાદ અપાવનાર સૂત્રો અને ગીતો આજે ફરી ગૂંજતા સાંભળાઈ રહ્યા છે.”
માતા સીતાની ભૂમિ પરથી આહ્વાન
સીતામઢીમાં જનસભાને સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું કે, “માતા સીતાની આ પવિત્ર ધરતી પરથી હું બિહારના જનમાનસનો આશીર્વાદ માગવા આવ્યો છું. અહીંના ઉત્સાહી જનસમુદાયને જોઈને એ દિવસો યાદ આવે છે જ્યારે બિહારે અંધકારમાંથી પ્રકાશ તરફ પગલું ભર્યું હતું. માતા સીતાના આશીર્વાદથી જ બિહાર વિકાસના નવા યુગમાં પ્રવેશ કરશે.”
તેમણે આગળ કહ્યું કે આવનારી ચૂંટણી માત્ર સરકાર બનાવવા માટે નથી, પરંતુ “આ ચૂંટણી બિહારના બાળકોના ભવિષ્યનો માર્ગ નક્કી કરશે.”
આરજેડી પર નિશાન
મોદીએ મહાગઠબંધન અને ખાસ કરીને આરજેડી પર સીધો આક્રમણ કરતા કહ્યું કે, “આરજેડીના નેતાઓના પ્રચારમાંથી સ્પષ્ટ થાય છે કે તેઓ બિહારના યુવાનોને કઈ દિશામાં લઈ જવા માંગે છે. તેમના પ્લેટફોર્મ પરથી નાના બાળકોને ‘ગેંગસ્ટર’ બનવાની વાતો બોલાવવી શરમજનક છે.”
તેમણે જનતાને પ્રશ્ન કર્યો, “બિહારના બાળકને ગેંગસ્ટર બનવું જોઈએ કે ડૉક્ટર? એન્જિનિયર કે ગુનેગાર?”
મોદીએ કહ્યું કે હવે બિહારના બાળકો હાથમાં હથિયાર નહીં, પરંતુ પુસ્તકો, લેપટોપ, બેટ અને હોકી સ્ટિક લેશે. તેમણે જણાવ્યું કે તેમની સરકાર યુવાનોને સ્ટાર્ટઅપ્સ માટે પ્રોત્સાહિત કરે છે અને રમતગમત તેમજ શિક્ષણ બંને ક્ષેત્રે તક આપે છે.
“જંગલ રાજમાં ઉદ્યોગ અને હોસ્પિટલ બંને ખતમ”
પીએમ મોદીએ કોંગ્રેસ અને આરજેડી સરકારના શાસનકાળને યાદ અપાવતા કહ્યું કે, “15 વર્ષના જંગલ રાજ દરમિયાન બિહારમાં એક પણ મોટી ફેક્ટરી ઉભી થઈ નહોતી. મિથિલાની મિલો અને કારખાનાઓ બંધ થઈ ગયા. કોઈ નવી મેડિકલ કોલેજ કે હોસ્પિટલ પણ બનાવાઈ નહોતી.”
તેમણે ઉમેર્યું કે, “જેઓ ઉદ્યોગોના એબીસી પણ નથી જાણતા, તેઓ આજે વિકાસની વાતો કરે છે. બિહારના લોકો હવે જૂઠાણું ઓળખી ગયા છે.”
વિકાસ અને સ્થિરતાનો સંદેશ
પ્રધાનમંત્રીએ પોતાના ભાષણના અંતે જનતાને અપીલ કરી હતી કે બિહારના ભવિષ્ય માટે સ્થિરતા અને વિકાસ પસંદ કરો. “બિહારને ફરીથી અંધકારમાં ન ધકેલો,” એમ તેમણે કહ્યું હતું.




















