રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે શનિવારે કહ્યું હતું કે ભારતમાં કોઈ બિન-હિંદુ નથી. તેમણે કહ્યું કે માન્યતાઓ ગમે તે હોય, ભારતમાં રહેતો દરેક વ્યક્તિ હિન્દુ સભ્યતા સાથે જોડાયેલો છે અને તેના પૂર્વજો હિન્દુ છે. RSS ના એક કાર્યક્રમમાં બોલતા મોહન ભાગવતે કહ્યું હતું કે, "RSS ક્યારેય સત્તાની ઇચ્છા રાખતો નથી, પરંતુ હિન્દુ સમાજને એક કરવા અને ભારત માતાનો મહિમા વધારવાનો પ્રયાસ કરે છે."
મોહન ભાગવતે કહ્યું કે, જ્યારે RSS તરીકે સંયુક્ત પ્રયત્ન કરવામાં આવે છે, ત્યારે તેનો હેતુ રાજકીય લાભ મેળવવાનો નથી પરંતુ ભારત માતાના ભલા માટે સમાજને એક કરવાનો હોય છે. તેમણે કહ્યું કે, લોકો એક સમયે RSSના હેતુ પર શંકા કરતા હતા, પરંતુ હવે તેઓ પણ તેને સમજે છે. RSSના મહાસચિવ દત્તાત્રેય હોસાબલે અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં હાજર હતા.
ભાગવતે કહ્યું, "બ્રિટીશ લોકોએ આપણને એક રાષ્ટ્ર બનાવ્યું નહીં, પરંતુ ભારત પ્રાચીન સમયથી એક રાષ્ટ્ર રહ્યું છે. બધા દેશોની પોતાની સંસ્કૃતિઓ છે. તેવી જ રીતે, ભારતની સંસ્કૃતિ હિન્દુ છે. આપણે પોતાને ગમે તે કહીએ, આપણી ઓળખ હિન્દુ જ રહે છે." તેમણે કહ્યું, "મુસ્લિમ હોય કે ખ્રિસ્તી, આપણે બધા એક જ સભ્યતામાંથી આવ્યા છીએ અને આપણા પૂર્વજો સમાન છે. વાસ્તવમાં, ભારતમાં કોઈ બિન-હિંદુ નથી. મુસ્લિમો અને ખ્રિસ્તીઓને તેમના મૂળ ભૂલી જવા માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે."
ભાગવતે કહ્યું, "કોઈ પણ બિન-હિંદુ નથી. દરેક વ્યક્તિએ જાણવું જોઈએ કે તેઓ હિન્દુ છે, કારણ કે તેનો અર્થ ભારતનો જવાબદાર નાગરિક બનવું છે." તેમણે ઉમેર્યું કે ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે, અને બંધારણ આનો વિરોધાભાસ કરતું નથી. સનાતન ધર્મ અને ભારતને અલગ કરી શકાતા નથી. તેથી, સનાતન ધર્મની પ્રગતિ એ ભારતની પ્રગતિ છે.




















