ગુજરાત સાયબર ક્રાઈમ વિભાગે રાજ્યની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરીને સાયબર છેતરપિંડીના વિશાળ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે, જેમાં પાકિસ્તાનનું સીધુ કનેકશન હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન મોરબી, સુરેન્દ્રનગર, સુરત અને સાવરકુંડલામાં ભાડાના એકાઉન્ટ મળી આવ્યા હતા, જેઓ મારફતે રૂ.200 કરોડથી વધુની છેતરપિંડી કરવામાં આવી હોવાનું ખુલ્યું છે.
ગુજરાત સાયબર ક્રાઈમની તપાસમાં ખુલ્યું છે કે આ એકાઉન્ટ્સ મારફતે ભારતભરના 386 સાયબર ફ્રોડના કેસ સાથે સંકળાયેલાં 100થી વધુ એકાઉન્ટનું સંચાલન થતું હતું. આ નેટવર્ક માત્ર દેશમાં જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તર સુધી ફેલાયેલું હતું. તપાસમાં વધુમાં જાણવા મળ્યું કે આ ભાડાના એકાઉન્ટ્સમાંથી પાકિસ્તાન સાથે નાણાંકીય લેવડદેવડ થઈ હતી, જેમાં Binance USDT મારફતે આશરે રૂ.10 કરોડ જેટલી રકમ પાકિસ્તાનના એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ હતી.
સાયબર ક્રાઈમ અધિકારીઓએ જણાવ્યું કે આ નેટવર્ક રૂપિયા થી લઈને ક્રિપ્ટોકરન્સી સુધીના 7 અલગ અલગ લેયરમાં કાર્યરત હતું, જેથી ટ્રાન્ઝેક્શન ટ્રેસ કરવું મુશ્કેલ બને. આ સાયબર ગેંગ ભારતની નાણાકીય વ્યવસ્થા અને ડિજિટલ સિક્યોરિટીને જોખમમાં મૂકે તેવું મોટું નેટવર્ક હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
હાલ સાયબર ક્રાઈમ વિભાગ દ્વારા સમગ્ર નેટવર્કને ઉખેડી નાખવા માટે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને દેશ-વિદેશની એજન્સીઓ સાથે સમન્વય કરીને પાકિસ્તાની કનેકશનના તમામ તારો સુધી પહોંચવાના પ્રયાસો ચાલુ છે.




















