રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ત્રણ વર્ષ પૂર્ણ થવાની સાથેજ તણાવ ફરી વધ્યો છે. રશિયાએ શુક્રવાર રાત (7 નવેમ્બર, 2025) થી શનિવાર સવાર (8 નવેમ્બર, 2025) દરમિયાન યુક્રેન પર વ્યાપક ડ્રોન અને મિસાઇલ હુમલો કર્યો હતો. રોઇટર્સના અહેવાલ મુજબ, રશિયન દળોએ ખ્મેલનીત્સ્કી અને રિવને પરમાણુ પાવર પ્લાન્ટને વીજ પુરવઠો પૂરો પાડતા સબસ્ટેશનોને નિશાન બનાવ્યા હતા.
વિદેશ પ્રધાન આન્દ્રે ત્સિબિહાએ જણાવ્યું હતું કે આ હુમલાઓ અણધાર્યા નહોતા પરંતુ પૂર્વનિર્ધારિત હતા. “રશિયાએ જાણપૂર્વક યુરોપની પરમાણુ સુરક્ષાને જોખમમાં મૂકી છે,” એમ તેમણે કહ્યું. યુક્રેનિયન અધિકારીઓના જણાવ્યા મુજબ, હુમલાઓમાં ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયા. ડિનીપર શહેરમાં રહેણાંક ઇમારત પર ડ્રોન પડતાં 3 લોકોનાં મૃત્યુ થયાં, જ્યારે ઝાપોરિઝ્ઝિયા અને ખાર્કિવમાં પણ જાનહાનિ થઈ છે.
ઊર્જા માળખા પર ગંભીર અસર
યુક્રેનની વડા પ્રધાન યુલિયા સ્વિરિડેન્કોએ જણાવ્યું હતું કે આ હુમલાઓથી કિવ, પોલ્ટાવા અને ખાર્કિવ પ્રદેશોમાં ઊર્જા માળખાને ભારે નુકસાન થયું છે. હજારો ઘરોમાં વીજળી અને પાણી પુરવઠો ખોરવાઈ ગયો છે. પોલ્ટાવાના સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે પાણી પુરું પાડવા માટે તેઓ હાલ જનરેટર પર આધાર રાખી રહ્યા છે.
રાજ્યની માલિકીની ઉર્જા કંપની Tsentrenehrgoએ આ હુમલાઓને ફેબ્રુઆરી 2022 બાદનો સૌથી મોટો હુમલો ગણાવ્યો છે. કંપનીએ જણાવ્યું કે “શત્રુએ અમારી બધી ઉત્પાદન સુવિધાઓને એકસાથે નિશાન બનાવી છે, પ્લાન્ટોમાં આગ લાગી છે અને વીજળીનું ઉત્પાદન શૂન્ય થઈ ગયું છે.”
આ કંપની યુક્રેનની કુલ વીજળીનું આશરે 8% ઉત્પાદન કરે છે, જેના કારણે રાષ્ટ્રીય પાવર ગ્રીડ પર ભારે અસર થઈ છે.
પરમાણુ સલામતી અંગે ચિંતા, IAEA બેઠકની માગ
પરમાણુ સુરક્ષા મુદ્દે ચિંતા વ્યક્ત કરતાં વિદેશ પ્રધાન ત્સિબિહાએ આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (IAEA)ના બોર્ડ ઓફ ગવર્નર્સની તાત્કાલિક બેઠક બોલાવવાની માંગ કરી છે. તેમણે ચીન અને ભારતને અપીલ કરી કે તેઓ રશિયા પર દબાણ લાવે જેથી આવા હુમલાઓ રોકી શકાય. તેમણે ચેતવણી આપી કે “આ પ્રકારની કાર્યવાહી કોઈ પણ સમયે વિનાશક પરમાણુ દુર્ઘટનાનું કારણ બની શકે છે.”
એ યાદ રાખવું જોઈએ કે રશિયાએ અગાઉ ઝાપોરિઝ્ઝિયા ન્યૂક્લિયર પ્લાન્ટ પર પણ હુમલો કર્યો હતો, જે સમયે યુરોપમાં રેડિએશન જોખમ વધ્યું હતું.
રશિયાનો દાવો: બદલો લેવાનો હુમલો
રશિયન સંરક્ષણ મંત્રાલયે એક નિવેદન જારી કરી જણાવ્યું કે આ હુમલાઓ કિવ દ્વારા રશિયાની અંદર કરવામાં આવેલા ડ્રોન હુમલાના જવાબમાં કરવામાં આવ્યા હતા. મંત્રાલયે જણાવ્યું કે રશિયાએ હાઈ-પ્રિસીજન, લાંબા અંતરના હવા, જમીન અને સમુદ્રી શસ્ત્રોનો ઉપયોગ કરીને યુક્રેનની ગેસ, એનર્જી અને હથિયાર ઉત્પાદન સુવિધાઓને નિશાન બનાવી હતી.
યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ આંતરરાષ્ટ્રીય સમુદાયને રશિયાના ઊર્જા ક્ષેત્ર પર વધુ કડક પ્રતિબંધો લાદવાની અપીલ કરી હતી.
ઝેલેન્સકીએ દાવો કર્યો કે રશિયાએ માત્ર એક જ રાતમાં 450 ડ્રોન અને 45 મિસાઇલો છોડ્યા હતા. યુક્રેનિયન વાયુસેનાએ 406 ડ્રોન અને 9 મિસાઇલો તોડી પાડવાનો દાવો કર્યો, પરંતુ 26 મિસાઇલો અને 52 ડ્રોને 25 લક્ષ્યોને નુકસાન પહોંચાડ્યું હોવાનું જણાવ્યું છે.




















