Parliament Winter Session 2025 : સંસદના શિયાળુ સત્રને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપી હતી કે સંસદનું શિયાળુ સત્ર 1 ડિસેમ્બર, 2025થી શરૂ થશે. જે 19 ડિસેમ્બર, 2025 સુધી ચાલુ રહેશે.
રિજિજુએ કહ્યું, "રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 1 ડિસેમ્બરથી શિયાળુ સત્ર યોજવાના સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. અમને એક સાર્થક સત્રની આશા છે જે અમારા લોકતંત્રને મજબૂત કરે અને લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરે."
નોંધનીય છે કે આ પહેલાં સંસદનું પાછલું ચોમાસુ સત્ર 21 જુલાઈથી 21 ઓગસ્ટ સુધી ચાલ્યું હતું. સમગ્ર સત્ર દરમિયાન કુલ 21 બેઠકો યોજાઈ હતી. લોકસભામાં 120 કલાક ચર્ચા થવાની હતી, પરંતુ ચર્ચા ફક્ત 37 કલાક જ થઈ હતી.
આ દરમિયાન રાજ્યસભામાં 41 કલાક સુધી ચર્ચા થઈ. આ સમયગાળા દરમિયાન લોકસભામાં 12 અને રાજ્યસભામાં 15 બિલ પસાર થયા. સૌથી વધુ ચર્ચિત બિલ બંધારણીય સુધારા બિલ હતું, જે ધરપકડ કરાયેલા PM-CMને દૂર કરશે. તેને JPC સમક્ષ મોકલવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો.




















