અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય-અમેરિકન ઉદ્યોગપતિ વિવેક રામાસ્વામીને ઓહાયોના ગવર્નરપદ માટે સત્તાવાર સમર્થન આપ્યું છે. ટ્રમ્પે વિવેકને "યુવાન, મજબૂત અને બુદ્ધિશાળી નેતા" ગણાવતા જણાવ્યું કે તેઓ “ખરેખર આપણા દેશને પ્રેમ કરે છે.”
ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને કહ્યું,
“વિવેક રામાસ્વામી મહાન રાજ્ય ઓહિયોના ગવર્નર તરીકે ચૂંટણી લડી રહ્યા છે — એ સ્થાન જ્યાં મેં ત્રણ વખત જંગી જીત મેળવી છે. હું તેમને સારી રીતે ઓળખું છું, તેમની સામે ચૂંટણી લડી ચૂક્યો છું, અને તે ખરેખર ખાસ છે.”
વિવેકની પ્રશંસા સાથે ટ્રમ્પનો વિશ્વાસ
ટ્રમ્પે પોતાના સંદેશમાં વિવેકના નેતૃત્વ અને રૂઢિચુસ્ત મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરતા કહ્યું કે,
“વિવેક અર્થતંત્રને મજબૂત કરશે, કરમાં રાહત આપશે, ‘મેડ ઇન યુએસએ’ને પ્રોત્સાહન આપશે, સરહદ સુરક્ષા સુનિશ્ચિત કરશે, અને કાયદો તથા વ્યવસ્થા જાળવવા માટે કામ કરશે.”
તેમણે ઉમેર્યું કે, “વિવેક રામાસ્વામી ઓહિયોના મહાન ગવર્નર બનશે. તેને મારો સંપૂર્ણ ટેકો છે — તે ક્યારેય તમને નિરાશ નહીં કરે.”
રામાસ્વામીએ આભાર વ્યક્ત કર્યો: “ચાલો ઓહિયોને વધુ મહાન બનાવીએ”
ટ્રમ્પના સમર્થન બાદ વિવેક રામાસ્વામીએ X પર પ્રતિભાવ આપ્યો હતો. તેમણે લખ્યું
“આભાર, રાષ્ટ્રપતિ ટ્રમ્પ! ચાલો ઓહિયોને પહેલા કરતાં વધુ મહાન બનાવીએ.”
વિવેકે તાજેતરમાં એક નિવેદનમાં કહ્યું હતું કે રિપબ્લિકન પાર્ટી જો ભવિષ્યની ચૂંટણીઓ જીતવા ઈચ્છે, તો તેને “ઓળખની રાજનીતિ” છોડીને તાકાત અને આર્થિક નીતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
હાલની હાર પછી રિપબ્લિકન માટે ચેતવણી
તાજેતરમાં ન્યુ જર્સી, વર્જિનિયા અને ન્યુ યોર્ક સિટીમાં રિપબ્લિકન પાર્ટીને થયેલી હાર બાદ રામાસ્વામીએ પાર્ટીને કડક ચેતવણી આપી હતી.
તેમણે પોતાના વિડિઓ સંદેશમાં કહ્યું,
“આ પરિણામો રિપબ્લિકન માટે ચેતવણી છે. હવે અમારે આર્થિક મુદ્દાઓ પર ધ્યાન આપવું પડશે અને લોકોની વાસ્તવિક ચિંતાઓને ઉકેલવી પડશે.”
વિવેક રામાસ્વામી બાયોટેક ઉદ્યોગપતિ અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે. 2024ની ચૂંટણીમાં તેમણે ટ્રમ્પ સામે રિપબ્લિકન પ્રાઈમરીમાં ભાગ લીધો હતો, પરંતુ બાદમાં ટ્રમ્પના સમર્થનમાં પોતાનો અભિયાન પાછો ખેંચી લીધો હતો. હવે તેઓ ઓહાયોના ગવર્નર પદ માટે મજબૂત દાવેદાર તરીકે ઉભરી રહ્યા છે.




















