પશ્ચિમ આફ્રિકાના માલીમાંથી એક ગંભીર ઘટના સામે આવી છે. સ્થાનિક સુરક્ષા સૂત્રોના જણાવ્યા મુજબ, અલ-કાયદા સાથે સંકળાયેલા આતંકવાદી જૂથે પશ્ચિમ માલીના કુબી વિસ્તારની નજીક પાંચ ભારતીય નાગરિકોને બંદી બનાવ્યા છે. બધા જ લોકો વીજળીકરણ પ્રોજેક્ટ પર કાર્યરત ખાનગી કંપનીના કર્મચારીઓ હતા.
આ ઘટના ગુરુવારે બની હતી, જ્યારે સશસ્ત્ર આતંકવાદીઓએ તેમની ગાડી રોકી અને તમામને બળજબરીપૂર્વક લઈ ગયા. ઘટનાની પુષ્ટિ કરતા કંપનીના પ્રતિનિધિએ ફ્રેન્ચ સમાચાર એજન્સી AFPને જણાવ્યું કે અન્ય ભારતીય કર્મચારીઓને તાત્કાલિક સુરક્ષાના હેતુસર રાજધાની બામાકો ખસેડવામાં આવ્યા છે. હાલ સુધી કોઈ આતંકવાદી સંગઠન તરફથી આ હુમલાની જવાબદારી સ્વીકારવામાં આવી નથી, પરંતુ અલ-કાયદા અને ISIS જોડાયેલા ગૃપ્સ પર શંકા વ્યક્ત થઈ રહી છે.
પૂર્વમાં પણ આવી ઘટના બની હતી
જુલાઈ 2025માં પણ ત્રણ ભારતીયોનું અપહરણ થયું હતું. તે સમયે રાજસ્થાન, ઓડિશા અને તેલંગાણાના નાગરિકો બંદી બનાવાયા હતા. તે ઘટનાની જવાબદારી અલ-કાયદા સંકળાયેલા સંગઠન જમાત નુસરત અલ-ઇસ્લામ વાલ-મુસ્લિમીન (JNIM) એ લીધી હતી. આ જ જૂથ છેલ્લા કેટલાંક વર્ષોમાં માલીમાં થયેલા અનેક હિંસક હુમલાઓમાં સામેલ રહ્યું છે.
માલીમાં લગભગ 400 ભારતીયો કાર્યરત
સરકારી આંકડાઓ મુજબ, માલીમાં આશરે 400 ભારતીય નાગરિકો વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત છે. મોટા ભાગના લોકો બાંધકામ, ખાણકામ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં જોડાયેલા છે. દેશમાં વધી રહેલી આતંકવાદી પ્રવૃત્તિઓ અને અપહરણની ઘટનાઓને કારણે હવે તેમની સુરક્ષા પર ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.
સાહેલ વિસ્તાર આતંકવાદનું કેન્દ્ર બની રહ્યો છે
માલીનો સાહેલ વિસ્તાર, જેમાં નાઇજર અને બુર્કિના ફાસોનો સમાવેશ થાય છે, વર્ષોથી આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ચર્ચામાં રહ્યો છે. 2012ના લશ્કરી બળવા પછી અહીં હિંસાનો ચક્ર સતત ચાલુ છે. સપ્ટેમ્બર 2024માં JNIM સાથે સંકળાયેલા જેહાદીઓએ બે અમીરાતી અને એક ઈરાની નાગરિકનું અપહરણ કર્યું હતું, જેમને બાદમાં 50 મિલિયન ડોલરની ખંડણી ચૂકવીને મુક્ત કરવામાં આવ્યા હતા.
ગ્લોબલ અહેવાલમાં ચોંકાવનારા આંકડા
ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ (GTI) અનુસાર, સાહેલ પ્રદેશ વિશ્વમાં આતંકવાદથી સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોમાં સામેલ છે. અહેવાલમાં જણાવાયું છે કે વિશ્વભરમાં થતા કુલ આતંકવાદી મોતમાંથી અડધાથી વધુ આ વિસ્તારમાં નોંધાય છે.
ભારત સરકારની પ્રતિસાદ પ્રક્રિયા શરૂ
ભારતીય વિદેશ મંત્રાલયે આ ઘટનાની પુષ્ટિ તો કરી નથી, પરંતુ દૂતાવાસ સ્ત્રોતોના જણાવ્યા મુજબ, સ્થાનિક અધિકારીઓ સાથે સતત સંપર્ક સાધવામાં આવી રહ્યો છે. અપહરણ કરાયેલા પાંચેય ભારતીયોની સુરક્ષિત મુક્તિ માટે ભારત તરફથી કૂતનીતિક સ્તરે પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે.




















