હવામાન વિભાગે અગાઉ રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમસોમી વરસાદને લઈને ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર કર્યું હતું. ત્યારે હવે તે આગાહી સાચી પડી રહી છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સતત બે દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ખેડૂતોને સૌથી વધુ પાક ખરાબ થવાની ચિંતા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસાદની સ્થિતિ
ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ભાવનગરમાં સૌથી વધુ નોંધાયો છે. ભાવનગરના મહુવામાં સૌથી વધુ 7.68 ઇંચ વરસાદ ખબક્યો છે. ત્યારે સિંહોરમાં 5.04 ઇંચ વરસાદ, તાપી સોનગઢમાં 3.94 ઇંચ, અમરેલીના જાફરાબાદમાં 3.74 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના બાકીના તાલુકાઓમાં ક્યાંક 2 ઇંચ તો ક્યાંક 1 ઇંચ વરસાદ નોંધાયો છે.
મહુવામાં મુશળધાર વરસાદ
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં સતત બીજા દિવસે ધોધમાર કમોસમી વરસાદ વરસતા પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે. સતત વરસાદના કારણે મહુવા શહેરના મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ જતા નગરજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 
ખાસ કરીને હોસ્પિટલ માર્ગ, વાસી તળાવ વિસ્તાર, ગાંધીબાગ, બગીચા ચોક અને સ્ટેશન રોડ જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ધીમો પડી ગયો છે અને કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયાં છે. સતત વરસી રહેલા વરસાદને કારણે શહેરી વિસ્તારો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ પ્રભાવ જોવા મળી રહ્યો છે. કમોસમી માવઠાના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. ખાસ કરીને કમોસમી વરસાદના કારણે કપાસ, સીંગ, સોયાબીન અને ઘાસચારમાં સૌથી વધું નુકસાની જવાની ભીતી સેવાય રહી છે. વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતાં પાકને નુકસાન થવાની શક્યતા છે.
મહીસાગરમાં કમોસમી વરસાદ
મહીસાગર જિલ્લામાં કમોસમી વરસાદ શરૂ થયો છે. ગઈકાલે બપોર બાદ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. મોડી રાતથી જ લુણાવાડા, ખાનપુર, સંતરામપુર, બાલાસિનોર અને કડાણા સહિતના તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પણ વરસ્યો હતો.
સાબરકાંઠામાં કમોસમી વરસાદ
સાબરકાંઠાના પ્રાંતિજ, હિંમતનગર સહિત કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. વાદળછાયા વાતાવરણ સાથે ઝરમર વરસાદના કારણે ડાંગર, મગફળી સહિતના પાકોમાં નુકસાનને લઈ ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. 
ઉના શહેર-ગ્રામ્યમાં ધોધમાર વરસાદ
ઉના પંથકમાં સતત બે દિવસથી પડી રહેલાં કમોસમી વરસાદને પગલે સમગ્ર વિસ્તારમાં પાણી ભરાયા છે. ઉના શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ગત રાત્રથી આજે સવાર સુધી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉના શહેરમાં સવારે 6થી 8 વાગ્યા સુધીમાં 30 મિમી વરસાદ નોંધાયો હતો. અને હજુ પણ વરસાદ ચાલુ છે.
અમરેલીમાં મુશળધાર વરસાદ
હવામાન વિભાગ દ્વારા અમરેલીમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે રવિવારે અમરેલીના રાજુલા તેમજ જાફરાબાદમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. રાજુલા શહેરમાં મુશળધાર વરસાદ વરસતાં ચોમાસા જેવો સ્થિતિ સર્જાઇ હતી.
બોટાદ જિલ્લામાં વરસાદી માહોલ, ખેતપાકોમાં નુકસાનની ભીતિ
બોટાદ જિલ્લામાં મોડીરાતથી વરસાદી માહોલ જામ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.




















