અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર આજે ભયાનક ટ્રિપલ અકસ્માત બન્યો હતો, જેમાં 3 લોકોના દુર્ઘટનાજન્ય મોત થયા છે અને 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ આ દુર્ઘટના ત્યારે બની હતી જ્યારે પટેલ ટ્રાવેલ્સની લક્ઝરી બસ અને કિયા કાર વચ્ચે જોરદાર ટક્કર સર્જાઈ હતી. અથડામણ બાદ બંને વાહનચાલકો નીચે ઉતરી સમાધાન કરતા હતા, તે દરમિયાન પાછળથી જોરદાર ઝડપે આવી રહેલો ટ્રક બંને વાહનોને ટક્કર મારી ફરી વળ્યો. આ અકસ્માત એટલો જોરદાર હતો કે આસપાસના લોકો દોડી આવ્યા અને ઘાયલ લોકોને બચાવ કામગીરી શરૂ કરી.
અકસ્માતમાં 3ના મોત
અકસ્માતમાં બસ અને કારના ચાલકો સહિત અનેક મુસાફરોને ઈજા પહોંચી છે. કુલ 15થી વધુ લોકોને ઈજા પહોંચી હોવાનું પ્રાથમિક અહેવાલોમાં જાણવા મળ્યું છે. ઈજાગ્રસ્તોમાંથી 8 લોકોને મણીનગરની એલજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યારે વડોદરાના રહેવાસી કેટલાક ઈજાગ્રસ્તોએ પ્રાથમિક સારવાર બાદ વડોદરા તરફ સારવાર માટે રવાના થયા છે.
પોલીસે તપાસ હાથધરી
હાલમાં પોલીસ સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતના કારણે હાઇવે પર ભારે ટ્રાફિક જામના દર્શ્યો સર્જાયો હતો. આ દુર્ઘટનાએ ફરી એકવાર હાઇવે પર ઝડપથી વાહન હાંકવાની ગંભીરતા અને સુરક્ષાના પ્રશ્નોને ચર્ચામાં લાવી દીધા છે.




















