ગુરુડેશ્વર નજીક નર્મદા ઘાટ પર ચાલી રહેલી નવીનીકરણની કામગીરી દરમિયાનએક દુર્ઘટના બની હતી. પ્રોટેક્શન વોલ -રક્ષણ દિવાલ બનાવવાની કામગીરી દરમિયાન અચાનક માટીનો ભારે ભેખડ ધસી પડતાં ત્રણ શ્રમિકો દટાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં અકતેશ્વર ગામના ત્રણેય શ્રમિકોના કરુણ મોત થયા છે.
ત્રણેય શ્રમિકોના કરુણ મોત
મળતી માહિતી અનુસાર નર્મદા ઘાટના નવીનીકરણનું કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું હતું. ઘાટની મજબૂતી વધારવા માટે પ્રોટેક્શન વોલના નિર્માણ દરમ્યાન માટી અચાનક ધસી પડતાં ત્રણ શ્રમિકો તેમાં ફસાઈ ગયા હતા. ઘટના બનતાં જ સ્થળ પર ખળભળાટ મચી ગયો હતો. સ્થાનિક લોકો અને અન્ય શ્રમિકોએ તરત જ બચાવ કામગીરી શરૂ કરી હતી.
ગામમાં શોકનું મોજું છવાયું
પછી તાત્કાલિક ફાયર ફાઈટર ટીમ અને પોલીસ દળ સ્થળ પર પહોંચી ગયું હતું. બચાવ કામગીરીને લગભગ બે કલાકથી વધુ સમય લાગ્યો હતો. સતત પ્રયત્નો બાદ ત્રણેય શ્રમિકોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્રણેય મૃતકો અકતેશ્વર ગામના હોવાનું જાણવા મળ્યું છે, જેને પગલે ગામમાં શોકનું મોજું છવાઈ ગયું છે.
સુરક્ષાના જરૂરી પગલાં ન લેવાય?
આ દુર્ઘટના બાદ નવીનીકરણની કામગીરી તાત્કાલિક રોકી દેવામાં આવી છે અને તંત્ર દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. નિષ્ણાતોનું માનવું છે કે આ પ્રકારની કામગીરી દરમિયાન સુરક્ષાના જરૂરી પગલાં ન લેવાય તો આવી દુર્ઘટનાઓ બનવાની શક્યતા વધુ રહે છે.




















