સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓ પહેલાં કોંગ્રેસ પક્ષે પાટીદાર સમાજને રિઝવવા માટે સક્રિય પ્રયાસો શરૂ કર્યા છે. કોંગ્રેસ આજે એટલે કે 28મી તારીખે ખોડલધામ ખાતે ધજા ચડાવીને ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરવાની યોજના બનાવવામાં આવી છે. ખોડલધામમાં યોજાનારા આ કાર્યક્રમ દરમિયાન સૌરાષ્ટ્રના પાટીદાર નેતાઓ અને સમાજના આગેવાનો સાથે કોંગ્રેસના પ્રભારી બેઠક કરશે.
કોંગ્રેસના અગ્રણીઓ અને સ્થાનિક નેતાઓ સાથે વિશેષ બેઠક
આ બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટેની તૈયારીની ચર્ચા ઉપરાંત, ઉમેદવારી નક્કી કરવા માટે પોલિટિકલ અફેર્સ કમિટીની પણ ચર્ચા થવાની છે. ખોડલધામના કાર્યક્રમ પૂર્વે આજે રાજકોટ ખાતે કોંગ્રેસના અગ્રણીઓ અને સ્થાનિક નેતાઓ સાથે વિશેષ બેઠક યોજાઈ રહી છે, જેમાં આગામી ચૂંટણી માટેની રણનીતિ ઘડાશે.
ચૂંટણી પ્રચાર પહેલા ખોલધામ દર્શન
પાટીદાર સમાજને કોંગ્રેસ તરફ આકર્ષવા માટે આ સમગ્ર કાર્યક્રમને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. ખોડલધામ ખાતે ધજા ચડાવવાના કાર્યક્રમથી કોંગ્રેસ પક્ષ ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે અને સૌરાષ્ટ્રના પાટીદાર નેતાઓ સાથે સીધો સંપર્ક સ્થાપિત કરવાનો પ્રયાસ કરશે. પક્ષના સૂત્રો જણાવે છે કે, આ બેઠકમાં પાટીદાર સમાજની ભૂમિકા, તેમની અપેક્ષાઓ અને આગામી ચૂંટણીમાં તેમની સહભાગીતાને લઈને પણ વિગતવાર ચર્ચા થવાની છે.
ખોડલધામથી રાજકીય મિશનની શરૂઆત
આ રીતે કોંગ્રેસ પક્ષે પણ પાટીદાર સમુદાયમાં પોતાનું પ્રભાવ વધારવા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મજબૂત પ્રદર્શન કરવા માટે ખોડલધામથી રાજકીય મિશનની શરૂઆત કરી રહ્યું છે.




















