Nadiad Accident : નડિયાદ શહેરના ફતેપુરા રોડ પર કેનાલ નજીક આજે એક અત્યંત હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં પુરપાટ ઝડપે દોડી રહેલી સ્પોર્ટ્સ બાઈકની અડફેટે માત્ર 7 વર્ષની માસૂમ બાળકીનું કરુણ મોત નિપજ્યું છે. આ દુર્ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી સાથે લોકોમાં ભારે રોષ ફેલાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ફતેપુરા કેનાલ પાસે રોડની બાજુમાં એક સાત વર્ષની બાળકી અન્ય બાળકો સાથે રમતી હતી. તે સમયે એક યુવક પોતાની સ્પોર્ટ્સ બાઈક લઈને અત્યંત ઝડપી ગતિએ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. બેફામ ઝડપના કારણે બાઈક ચાલક વાહન પરનો કાબુ ગુમાવી બેઠો અને બાળકી સાથે જોરદાર ટક્કર વાગી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાળકી ફૂટબોલની જેમ હવામાં ફંગોળાઈ ગઈ હતી.
ઘટનાસ્થળે ભારે અફરાતફરી
અકસ્માત થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા અને ઘટનાસ્થળે ભારે અફરાતફરી મચી ગઈ. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી બાળકીને તાત્કાલિક સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ ફરજ પરના તબીબોએ તપાસ બાદ તેણીને મૃત જાહેર કરી હતી. આ સમાચાર મળતા જ પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો અને બાળકીના અકાળ અવસાનથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું.
યુવક વિરુદ્ધ ગુનો નોંધ્યો
અકસ્માત બાદ બાઈક ચાલક યુવક ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ સ્થાનિક લોકોએ સતર્કતા દાખવી તેને પકડી પાડ્યો હતો. રોષ હોવા છતાં લોકોએ કોઈ મારપીટ ન કરી અને તરત જ નડિયાદ ટાઉન પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી યુવકની ધરપકડ કરી હતી તેમજ અકસ્માતમાં વપરાયેલી સ્પોર્ટ્સ બાઈક કબ્જે લઈ, યુવક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ
આ ઘટનાને લઈને સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહેણાંક વિસ્તારો અને સંકુચિત માર્ગો પર સ્પોર્ટ્સ બાઈક અને બેફામ ઝડપથી થતા અકસ્માતોને લઈને લોકોમાં ભયનો માહોલ છે. શહેરમાં વધતા જતા સ્પોર્ટ્સ બાઈકના ક્રેઝ પર નિયંત્રણ મૂકવા તેમજ રહેણાંક વિસ્તારોમાં ઝડપ મર્યાદાનો કડક અમલ થાય તેવી માંગ લોકો દ્વારા પ્રશાસન સમક્ષ ઉઠાવવામાં આવી છે.




















