Earthquake in Gujarat: છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાતમાં ભૂકંપની ઘટનાઓ સતત વધી રહી છે. ખાસ કરીને એમાંય ગુજરાતના કેટલાંક વિસ્તારો એવા છે જે જમીન નીચે સતત કંઈક સખડ ડખળ થતું જોવા મળે છે. જેને કારણે ગમે ત્યારે આંચકાનો અનુભવ થાય છે. ધીરેધીરે આ વિસ્તારના લોકોમાં હવે એક પ્રકારનો ડર પણ પેદા થઈ ગયો છે. બીજી તરફ વિજ્ઞાન અને ખાસ કરીને સિસ્મોલોજી વિભાગ કે જે ભૂકંપ સંબંધિત બાબતોનું સંપૂર્ણ મોનિટરિંગ કરે છે તે પણ આ અંગે પહેલાંની સરખામણીએ ખાસું એલર્ટ બન્યું છે.
છેલ્લાં કેટલાંક સમયથી ગુજરાતનો સૌરાષ્ટ્ર ઝોન જાણે ભૂકંપનો એપી સેન્ટર બની ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. હાલમાં જ ગઈકાલે રાત્રે રાજ્યના સૌરાષ્ટ્ર ઝોનમાં આવેલાં અમરેલી જિલ્લામાં લોકોએ ભૂકંપના આંચકાઓ અનુભવ્યા હતા. છેલ્લાં એક અઠવાડિયામાં સૌરાષ્ટ્ર ઝોનમાં અનેકવાર ધરા ધ્રૂજી હોવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. જેને કારણે હવે સ્થાનિકોમાં એક પ્રકારનો ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. ગઈકાલે મોડી રાત્રે અમરેલીના ખાંભા સહિત ગીરના વિસ્તારોમાં ધરતીકંપ અનુભવાયો હતો. 2.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો. અમરેલી જિલ્લામાં ફરી એકવાર ભૂગર્ભીય હલચલ જોવા લોકો હવે સતત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યાં છે.
ગાંધીનગર સ્થિત Institute of Seismological Research (ISR) દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ 22 ફેબ્રુઆરી, 2026ના રોજ મોડી રાત્રે 12:49 કલાકે અમરેલી નજીક ભૂકંપના હળવા આંચકા નોંધાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.9 માપવામાં આવી હતી. આ કંપનનું કેન્દ્ર Amreliથી અંદાજે 44 કિમી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ દિશામાં હતું અને તેની ઊંડાઈ જમીનથી 6.6 કિમી નોંધાઈ હતી.
મોડી રાત્રે આવેલા આ આંચકાને કારણે કેટલાક લોકો ઊંઘમાંથી જાગી ગયા હતા, જેના કારણે વિસ્તારમાં થોડો ફફડાટ ફેલાયો હતો. જોકે, ભૂકંપની તીવ્રતા ઓછી હોવાને કારણે કોઈ જાનહાનિ અથવા નુકસાનના અહેવાલ મળ્યા નથી. તાજેતરમાં વારંવાર અનુભવાતા આંચકાઓને કારણે અમરેલી પંથકમાં લોકોમાં ચર્ચા શરૂ થઈ છે.
ગુજરાતના કચ્છમાં આવેલાં વિનાશક ભૂકંપને હજુ પણ લોકો ભૂલ્યા નથી. એવામાં ગુજરાતના લોકો ફરી એકવાર ભૂકંપના આંચકાઓથી દહેશતનો અનુભવ કરી રહ્યાં છે. રાજ્યના વિવિધ ભાગોમાં ભૂકંપના આંચકાઓનો અવારનવાર લોકોને અનુભવ થતો રહે છે. ભલે આંચકાની તીવ્રતા ઓછી હોય પરંતુ લોકોને ડર હોય છેકે, ગમે ત્યારે ભૂકંપનું જોર વધી શકે છે.
ભૂકંપ શું છે અને કેમ આવે છે?
ભૂકંપ પૃથ્વીની અંદર ટેક્ટોનિક પ્લેટ્સની હલચલને કારણે થાય છે. ધરતીની અંદર લગભગ 12 મોટી પ્લેટ્સ છે, જે ખૂબ ધીમે ધીમે (દર વર્ષે લગભગ 4–5 મિમી) સરકતી રહે છે. જ્યારે આ પ્લેટ્સ એકબીજા સાથે અથડાય છે, દૂર થાય છે અથવા એક પ્લેટ બીજીની નીચે સરકે છે, ત્યારે ઉર્જા મુક્ત થાય છે, જેને આપણે ભૂકંપ તરીકે અનુભવું છીએ.
શું હોય છે ભૂકંપનું કેન્દ્ર?
ધરતીની સપાટી નીચેની એ જગ્યા જ્યાં ખડકો પરસ્પર ટકરાય છે કે તૂટે છે. ભૂકંપનું કેન્દ્ર કે ફોકસ કહેવાય છે. તેને હાઈપોસેન્ટર પણ કહે છે. આ કેન્દ્રથી જ ઉર્જા તરંગો સ્વરૂપે કંપન ફેલાવે છે અને ભૂકંપ આવે છે. આ કંપન બરાબર એ રીતના હોય છે જે રીતે શાંત તળાવના પાણીમાં પથ્થર ફેંકવાથી જે તરંગો પેદા થાય છે.
ભારતમાં ક્યાં-ક્યાં છે ભૂકંપના ઝોન? જાણો દરેક ઝોનનું મહત્ત્વ:
ભારતને ભૂકંપના જોખમ પ્રમાણે 5 ઝોનમાં વહેંચવામાં આવ્યું છે:
ઝોન 5 – સૌથી વધારે જોખમ (જેમ કે ઉત્તરપૂર્વ ભારત, કચ્છ, આંદમાન-નિકોબાર)
ઝોન 4 – ઊંચું જોખમ (દિલ્હી, હિમાચલ, બિહારના ભાગો વગેરે)
ઝોન 3 – મધ્યમ જોખમ (ગુજરાતના કેટલાક ભાગો, મહારાષ્ટ્ર, કેરળ)
ઝોન 2 – ઓછું જોખમ
ઝોન 1 – સૌથી ઓછું જોખમ
દુનિયામાં સૌથી વધુ ભૂકંપ “રિંગ ઓફ ફાયર” વિસ્તારમાં થાય છે, ખાસ કરીને ઇન્ડોનેશિયા નજીક. ભારતમાં પણ છેલ્લા કેટલાક વર્ષોમાં ભૂકંપની ઘટનાઓમાં વધારો જોવા મળે છે, ખાસ કરીને દિલ્હી-એનસીઆર વિસ્તારમાં તેની અસર અનુભવાય છે. વિજ્ઞાનીઓ હજુ પણ ટેક્ટોનિક પ્રવૃત્તિઓ અને ભૂકંપના ચોક્કસ કારણો પર સતત સંશોધન કરી રહ્યા છે.



















