Home Gujarat Gujarat Local Body Election Sthanik Swarajya Chutani Vav Tharad Geniben Thakor Congress Bjp Gujarat Politics

ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર; ચૂંટણી પહેલાં જ કોંગ્રેસને મોટો ઝટકો : ગેનીબેન ઠાકોરના ગઢમાં ગાબડું, ભાજપમાં જોડાયા વાવ-થરાદના કોંગ્રેસના મોટા નેતાઓ

ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર; ચૂંટણી પહેલાં જ કોંગ્રેસને મોટો ઝટકો
Published by: OBS Bureau
Last Updated: Mar 22, 2026, 09:21 AM IST

Gujarat Political News: હાલ પાલિકા અને પંચાયતોની આગામી ચૂંટણીઓને લઈને ગુજરાતમાં તૈયારીઓ તેજ બની છે. ચારેય તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની ભણકારા વગી રહ્યાં છે. ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણીની તડામાર તૈયારીઓ આદરી દીધી છે. એવામાં કોંગ્રેસ માટે માઠા સમાચાર સામે આવ્યાં છે. ગુજરાતમાં કોંગ્રેસ માટે આશાનું કિરણ ગણાતા એક માત્ર સાંસદ ગેનીબેન ઠાકોરના ગઢમાં પણ હવે મસમોટું ગાબડું પડ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં બનાસકાંઠામાંથી અલગ પડેલાં નવા જિલ્લા વાવ-થરાદમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.

કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાયાઃ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે વાવ-થરાદ પંથકમાં કોંગ્રેસને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. સાંસદ ગેનીબેન ઠાકોરના હોમટાઉનમાં જ પક્ષમાં ભંગાણ સર્જાતા કોંગ્રેસ માટે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. ભાભર શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હુકમસિંહ રાઠોડ અને તાલુકા પ્રમુખ વસરામજી ઠાકોરે તેમના સમર્થકો સાથે કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાયા છે. આ સાથે જ 100થી વધુ કાર્યકરોએ પણ કોંગ્રેસનો સાથ છોડીને ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આ નેતાઓ લાંબા સમયથી કોંગ્રેસ સાથે સંકળાયેલા હોવાથી આ ઘટનાને સ્થાનિક રાજકારણમાં મોટા પરિવર્તન તરીકે જોવામાં આવી રહી છે.

શક્તિપ્રદર્શન સાથે ભાજપમાં સ્વાગતઃ

ભાભર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના મંત્રી સ્વરૂપજી ઠાકોર અને ભાજપ જિલ્લા પ્રમુખ ડૉ. નરેશજી ઠાકોરની હાજરીમાં તમામ કાર્યકરોનું ભાજપમાં સ્વાગત કરવામાં આવ્યું. આ કાર્યક્રમને ભાજપનું શક્તિપ્રદર્શન પણ માનવામાં આવી રહ્યું છે, જે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ ગણાય છે.

ગેનીબેન ઠાકોર સામે નારાજગીનો માહોલઃ

પક્ષાંતર પાછળનું મુખ્ય કારણ સ્થાનિક સ્તરે નારાજગી હોવાનું સામે આવ્યું છે. ભાજપમાં જોડાયેલા નેતાઓએ આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસમાં પાયાના કાર્યકરોની અવગણના થઈ રહી છે અને થોડા લોકો સુધી જ નિર્ણયો સીમિત રહી ગયા છે. આ સ્થિતિથી અસંતોષ પામેલા કાર્યકરો હવે ભાજપમાં જોડાઈ રહ્યા છે.

આગામી પેટાચૂંટણી પર અસરઃ

વાવ વિધાનસભા વિસ્તારમાં આવનારી પેટાચૂંટણીની શક્યતાઓ વચ્ચે કોંગ્રેસમાં પડેલું આ ગાબડું પાર્ટી માટે ચિંતાનો વિષય બની શકે છે. બીજી તરફ ભાજપ આ પરિસ્થિતિનો લાભ લઈને બનાસકાંઠામાં પોતાની પકડ વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ સમગ્ર ઘટનાક્રમે વાવ-થરાદ વિસ્તારના રાજકારણમાં નવા સમીકરણો ઉભા કર્યા છે, જેનો સીધો અસર આગામી ચૂંટણી પરિણામો પર જોવા મળી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now