Bengal Election Result 2026: પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના આજે જાહેર થયેલા પરિણામોએ દેશના રાજકારણમાં નવો વળાંક આપ્યો છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભારતીય જનતા પાર્ટીના શાનદાર દેખાવને પગલે ગુજરાત ભાજપમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે આ ઐતિહાસિક વિજયની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભાજપના નેતાઓએ પશ્ચિમ બંગાળની પ્રખ્યાત વાનગી 'ઝાલમૂડી' બનાવીને એકબીજાનું મોઢું મીઠું કરાવ્યું હતું.
આ વિજય ઉત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ખાસ હાજરી આપી હતી. નેતાઓએ આ જીતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસલક્ષી રાજકારણ અને જનતાના અતૂટ વિશ્વાસનું પરિણામ ગણાવ્યું છે. બંગાળમાં વર્ષોથી ચાલી રહેલા સંઘર્ષ બાદ મળેલી આ સફળતાને ભાજપે રાષ્ટ્રીય ગૌરવ સાથે જોડીને કાર્યકરોની મહેનતને બિરદાવી હતી.
વિકસિત ભારતનો સંકલ્પ વધુ મજબૂત બન્યો: CM ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પશ્ચિમ બંગાળમાં ભાજપના ભવ્ય વિજય બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર દેશની નજર બંગાળના પરિણામો પર હતી અને આ જીત દર્શાવે છે કે એક પછી એક રાજ્ય પીએમ મોદીના સકારાત્મક રાજકારણ સાથે જોડાઈ રહ્યા છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ભાજપનો કાર્યકર જ પક્ષની સાચી તાકાત છે અને હારમાંથી શીખીને વધુ મજબૂત બનવાની ક્ષમતા જ ભાજપને વિજય તરફ દોરી જાય છે. તેમણે ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં મળેલી જીત બદલ પણ કાર્યકરોને અભિનંદન આપ્યા હતા.
આ પણ વાંચો: મમતા બેનર્જી સામે બંગાળમાં નારાજગી કેમ વધી? : વિવાદો, ભ્રષ્ટાચાર અને સુરક્ષાના સવાલોની અંદરની કહાની
બંગાળની જનતાએ વિકાસ પર પસંદગી ઉતારી: પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ મહત્વનું નિવેદન આપતા કહ્યું કે, પૂર્વથી પશ્ચિમ સુધી ભાજપનો ભગવો લહેરાવો તે પક્ષ માટે ગૌરવની બાબત છે. તેમણે આ જીતને બંગાળની જનતાનો વિજય ગણાવતા કહ્યું કે, લોકોએ વિકાસ અને સકારાત્મકતાને પસંદ કરી છે. વિશ્વકર્માએ નારી શક્તિના સશક્તિકરણ અને 'વંદે માતરમ' ગીતને પૂર્ણ સન્માન અપાવવાની પીએમ મોદીની પહેલને પણ આ વિજયમાં મહત્વના પરિબળ તરીકે ગણાવ્યા હતા.
બંગાળના નાગરિકોને 'જંગલરાજ'માંથી મળી મુક્તિ: DyCM હર્ષ સંઘવી
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ જીતને લોકોની ઈચ્છાશક્તિનો પ્રતિક ગણાવી હતી. તેમણે જણાવ્યું કે, બંગાળના નાગરિકો હવે લાંબા સમયથી ચાલતા જંગલરાજમાંથી મુક્તિ મેળવી રહ્યા છે અને હવે ત્યાં કેન્દ્રની યોજનાઓનો લાભ દરેક ખૂણે પહોંચશે. સંઘવીએ આ જીતને દેશની રાજનીતિની સૌથી મોટી જીત ગણાવતા, વર્ષોથી સંઘર્ષ કરનારા અને શહાદત આપનારા કાર્યકરો તથા તેમના પરિવારોને નમન કર્યા હતા.
આ પણ વાંચો: થાલાપતિ બનશે તમિલનાડુના સેનાપતિ : રજનીકાન્ત બાદ સાઉથના સૌથી મોટા સુપરસ્ટારનો રાજનીતિમાં 'વિજય'
કમલમ ખાતે 'ઝાલમૂડી' બનાવીને વિજયની ઉજવણી
ગાંધીનગર કમલમ ખાતે માત્ર બંગાળની જીત જ નહીં, પરંતુ ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં મળેલી જીતની પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં ખાસ પ્રતીક તરીકે બંગાળી વાનગી 'ઝાલમૂડી' તૈયાર કરવામાં આવી હતી, જે પશ્ચિમ બંગાળમાં ભાજપના વધતા પ્રભાવ અને સાંસ્કૃતિક જોડાણનું પ્રતિક બની રહી હતી.





