Home National Mamata Banerjee Controversies Public Anger West Bengal Tmc Loss

મમતા બેનર્જી સામે બંગાળમાં નારાજગી કેમ વધી? : વિવાદો, ભ્રષ્ટાચાર અને સુરક્ષાના સવાલોની અંદરની કહાની

મમતા બેનર્જીની તસવીર સાથે protest અને બંગાળ ચૂંટણી દર્શાવતું પ્રતિક
Published by: Dviti Panchal
Last Updated: May 04, 2026, 09:57 AM IST

West Bengal: મમતા બેનર્જી એક સમયે બંગાળમાં અન્યાય સામે અવાજ ઉઠાવતા ‘સ્ટી્રીટ ફાઈટર’ તરીકે ઓળખાતા હતા. પરંતુ લાંબા શાસન બાદ આજે એ જ છબી સામે ગંભીર પ્રશ્નાર્થો ઊભા થયા છે. વર્તમાન ચૂંટણી પ્રવાહોમાં TMCની પીછેહઠ એ માત્ર રાજકીય હાર નથી; તે વર્ષોથી એકઠા થયેલા અસંતોષ, વિવાદો અને શાસન પરથી થયેલા વિશ્વાસઘાતનું પરિણામ છે.

પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) માટે આજનો દિવસ મોટો રાજકીય વળાંક સાબિત થઈ રહ્યો છે. ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટ પર 4 મે, 2026ના અપડેટ મુજબ, ભાજપ 193 બેઠકો પર આગળ છે, જ્યારે ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ 94 બેઠકો પર સીમિત જણાય છે. જોકે ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે આ માહિતી રિટર્નિંગ ઓફિસરો દ્વારા અપડેટ કરાયેલી પ્રાથમિક વિગતો છે અને અંતિમ આંકડા 'ફોર્મ-20' દ્વારા જાહેર થશે, તેમ છતાં રાજકીય સંદેશ સ્પષ્ટ છે: બંગાળમાં લાંબા સમયથી સત્તા પર રહેલી TMC સામે મતદારોમાં થાક અને નારાજગી વ્યાપી ચૂકી છે.

મમતા બેનર્જીની રાજનીતિનો પાયો હંમેશા “માટી, માનુષ અને માનુષી”ની છબી પર રહ્યો છે. તેમણે ડાબેરી શાસન સામે સામાન્ય લોકો, ખેડૂતો અને ગરીબ વર્ગની ભાષામાં વાત કરી 2011માં પરિવર્તનનો ચહેરો બનીને સત્તા મેળવી હતી. પરંતુ કોઈપણ પક્ષ માટે લાંબા સમય સુધી સત્તામાં રહેવાનો સૌથી મોટો પડકાર એ હોય છે કે જનતા તેને હવે ‘વિરોધના અવાજ’ તરીકે નહીં, પરંતુ ‘જવાબદાર સરકાર’ તરીકે માપવા લાગે છે. મમતાની મુશ્કેલી અહીંથી જ શરૂ થઈ: જનતાએ તેમને માત્ર ભાવનાત્મક નેતા તરીકે નહીં, પરંતુ કાયદો-વ્યવસ્થા, પારદર્શક ભરતી, મહિલા સુરક્ષા, સ્થાનિક ભ્રષ્ટાચાર અને પક્ષના કેડર પરના નિયંત્રણ જેવા મુદ્દાઓ પર કસવાનું શરૂ કર્યું.

આ પણ વાંચો : હવાઈ ચપ્પલ પહેરીને બંગાળ પર હકુમત કરનાર 'દીદી'ની દાસ્તાન : 2011ના ઉદયથી 2026ના કડવા જનાદેશ સુધીની કહાની

સંદેશખાલી: મહિલા સુરક્ષા અને સ્થાનિક દબદબાનો મોટો ઘા

મમતા સરકાર સામે જાહેર અસંતોષ વધારનારા મુદ્દાઓમાં 'સંદેશખાલી' સૌથી મોખરે રહ્યું. ઉત્તર 24 પરગણાના સંદેશખાલી વિસ્તારમાં સ્થાનિક તૃણમૂલ નેતા શાહજહાં શેખ અને તેના સાથીઓ સામે જમીન પચાવી પાડવા, મહિલાઓ પર અત્યાચાર અને યૌન શોષણ જેવા ગંભીર આક્ષેપો થયા. આ મુદ્દો માત્ર કાયદાકીય કેસ નહોતો; તે બંગાળના ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક “પાર્ટી સ્ટ્રોંગમેન” સામેના ભય અને આક્રોશનું પ્રતિક બની ગયો. રાષ્ટ્રીય માનવાધિકાર પંચ (NHRC) એ એપ્રિલ 2024માં તેના તપાસ અહેવાલમાં સંદેશખાલીમાં માનવાધિકારના ભંગ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી અને રાજ્ય સરકાર પાસે 'Action Taken Report' માંગ્યો હતો. રિપોર્ટમાં નોંધાયું હતું કે પીડિતો સામે અત્યાચાર અને વહીવટીતંત્રની બેદરકારીના પ્રથમ દ્રષ્ટિએ (Prima Facie) સંકેતો મળ્યા છે. કલકત્તા હાઈકોર્ટે પણ આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈ CBI તપાસનો આદેશ આપ્યો, જે મમતા સરકાર માટે મોટો રાજકીય ફટકો સાબિત થયો.

RG Kar કેસ: ‘દીદી’ની સુરક્ષિત છબી પર આઘાત

ઓગસ્ટ 2024માં કોલકાતાની RG Kar મેડિકલ કોલેજમાં એક 31 વર્ષીય ટ્રેઇની ડૉક્ટર પર થયેલા બળાત્કાર અને હત્યાની ઘટનાએ માત્ર બંગાળ જ નહીં, પરંતુ સમગ્ર દેશને હચમચાવી દીધો. આ ઘટના મમતા બેનર્જી માટે નૈતિક પડકાર બની ગઈ, કારણ કે તેઓ પોતે મહિલા અધિકારોના મજબૂત પુરસ્કર્તા ગણાય છે. સુપ્રીમ કોર્ટે પણ આ મામલે સ્વેચ્છાએ સંજ્ઞાન (Suo Motu Cognisance) લીધું અને દેશભરના ડૉક્ટરોની સુરક્ષા માટે 'નેશનલ ટાસ્ક ફોર્સ'ની રચના કરી. સુપ્રીમ કોર્ટે હોસ્પિટલમાં થયેલી તોડફોડ (Vandalism) અંગે પણ રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી. જોકે, પશ્ચિમ બંગાળ સરકારે જાન્યુઆરી 2025માં દોષિતોને ફાંસીની સજા અપાવવા માટે હાઈકોર્ટમાં અપીલ કરી હતી, પરંતુ ત્યાં સુધીમાં જનતાનો વિશ્વાસ ડગમગી ચૂક્યો હતો.

પશ્ચિમ બંગાળમાં શાહની રાણનીતિ સામે થાપ ખાઇ ગયા 'દીદી': ફરી ભાજપ માટે ચાણક્ય સાબિત થયા અમિત શાહ

ભરતી કૌભાંડ: યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં

પશ્ચિમ બંગાળ સ્કૂલ સર્વિસ કમિશન (SSC) ભરતી કૌભાંડ મમતા સરકાર માટે સૌથી લાંબો ચાલનારો અને નુકસાનકારક મુદ્દો સાબિત થયો. સુપ્રીમ કોર્ટના એપ્રિલ 2025ના ચુકાદામાં 2016ની પસંદગી પ્રક્રિયા અંગે ગંભીર ટિપ્પણીઓ કરવામાં આવી હતી. કોર્ટે અયોગ્ય ઉમેદવારોની સેવાઓ સમાપ્ત કરવા અને ગેરકાયદેસર નિમણૂકોમાં મેળવેલા પગારની વસૂલાત કરવા સુધીના આદેશો આપ્યા હતા. આ કૌભાંડે બંગાળના મધ્યમ વર્ગ અને શિક્ષિત યુવાનોમાં સરકાર પ્રત્યે ભારે રોષ પેદા કર્યો.

Assembly Election Results 2026 Live: પ.બંગાળ અને આસામમાં ભાજપ તો કેરલમમાં કોંગ્રેસ ગઠબંધન આગળ, તમિલનાડુમાં 'વિજયભવ', જ્યાં મોદીએ ઝાલમુડી ખાધી ત્યાં ભગવો લહેરાશે

લોકોની નારાજગીના અન્ય મુખ્ય કારણો

  1. જવાબદારીનો અભાવ: દરેક વિવાદમાં કેન્દ્ર સરકાર, ભાજપ કે તપાસ એજન્સીઓ (ED-CBI) પર દોષારોપણ કરવાની શૈલી સામાન્ય મતદારોને હવે "જવાબદારી ટાળવાની રાજનીતિ" લાગવા માંડી છે.

  2. સ્થાનિક નેતાગીરીનો અસંતોષ: બંગાળમાં 'કટમની' (ભ્રષ્ટાચારનું કમિશન) અને સ્થાનિક નેતાઓના વર્તને પાયાના સ્તરે પક્ષની છબી ખરાબ કરી છે.

  3. સત્તાનું કેન્દ્રીકરણ: અભિષેક બેનર્જીની વધતી ભૂમિકા અને પક્ષના વધતા પરિવારવાદે "સિસ્ટમ બદલવા આવેલી પાર્ટી પોતે જ સિસ્ટમ બની ગઈ" હોવાનો અહેસાસ કરાવ્યો.

આજના ચૂંટણી ટ્રેન્ડ્સ મમતા બેનર્જી માટે માત્ર એક હાર નથી, પરંતુ એક રાજકીય ચેતવણી છે. 2011માં તેમણે જે 'પરિવર્તન'નો નારો આપ્યો હતો, આજે એ જ નારો તેમની સામે વપરાઈ રહ્યો છે. મમતા બેનર્જી અનેક વિવાદોમાંથી બહાર આવવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ આ વખતે લડાઈ માત્ર વિરોધ પક્ષ સામે નથી, પણ પોતાના જ શાસનથી જન્મેલા જનઆક્રોશ સામે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now