El Nino 2026: વિશ્વભરના હવામાન વૈજ્ઞાનિકોની ચિંતા વધારતા નવા આંકડા સામે આવ્યા છે. અલ નીનોનો ખતરો સતત વધી રહ્યો છે. પ્રશાંત મહાસાગર (પેસિફિક ઓશન)નું તાપમાન 1982, 1997 અને 2015ના 'સુપર અલ નીનો' વર્ષોના રેકોર્ડ કરતાં પણ ઉપર પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં આ વખતનો અલ નીનો કેટલો ખતરનાક હશે, તેનો અંદાજ અત્યારે વૈજ્ઞાનિકો પણ લગાવી શકતા નથી.
વિશ્વભરના હવામાન વૈજ્ઞાનિકો આજકાલ અલ નીનોને લઈને ચિંતામાં છે. તેનું કારણ પ્રશાંત મહાસાગરમાંથી આવી રહેલી ડરામણી તસવીરો અને આંકડા છે. આ વર્ષે આવનારો અલ નીનો ઇતિહાસનું સૌથી ખતરનાક સ્વરૂપ ધારણ કરતો જોવા મળી રહ્યો છે. અલ નીનોના ખતરનાક સ્વરૂપ સાથે જોડાયેલા સમુદ્રની સપાટીના તાપમાનના નવા ડેટા સામે આવ્યા છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે મધ્ય પ્રશાંત મહાસાગરનું તાપમાન આ સમયે અગાઉના તમામ સુપર અલ નીનો (જે 1982, 1997 અને 2015માં આવ્યા હતા) કરતાં સૌથી વધુ છે.
વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, વિતેલી 17 જૂન સુધી પ્રશાંત મહાસાગરનું તાપમાન જૂના રેકોર્ડ કરતાં 0.58 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું હતું. એટલું જ નહીં, તાપમાને સતત 19 દિવસ સુધી વધવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. 1982 પછીનો અત્યાર સુધીનો જે ચાર્ટ છે, તેમાં 2026ની ગરમીનો ગ્રાફ સૌથી ઉપર અને ડરામણો છે.
આ વખતે ખતરો બમણો કેમ છે?
સામાન્ય રીતે અલ નીનો આવવાથી વિશ્વભરનું હવામાન બદલાઈ જાય છે, ક્યાંક ભયંકર દુષ્કાળ પડે છે, તો ક્યાંક બધું જ તબાહ કરી દેતો પૂર આવે છે. પરંતુ 2026નો આ અલ નીનો એટલા માટે અલગ છે કારણ કે તે પહેલેથી જ ઉકળી રહેલી પૃથ્વી પર આવી રહ્યો છે. જો આપણે 1982, 1997 કે 2015ના મેપ (નકશા)ને જોઈએ, તો તે સમયે અલ નીનો સિવાય બાકીના સમુદ્રો શાંત હતા. પરંતુ 2026નો ગ્લોબલ મેપ લાલ થઈ ચૂક્યો છે. પ્રશાંત, એટલાન્ટિક અને હિંદ મહાસાગર ગ્લોબલ વોર્મિંગના કારણે પહેલાથી જ રેકોર્ડબ્રેક ગરમ છે. આવી સ્થિતિમાં, અલ નીનોની આ વધારાની ગરમી હવામાનને કેટલી હદે બગાડશે, તેનો સચોટ અંદાજ અત્યારે વૈજ્ઞાનિકો પણ લગાવી શકતા નથી.
ભારત અને ચોમાસા પર શું અસર થશે?
ભારત માટે આ ખતરો એવા સમયે સામે આવ્યો છે, જ્યારે દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું (મોન્સૂન) પહેલાથી જ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ મજબૂત અલ નીનો આવે છે, ત્યારે ભારતમાં ચોમાસું નબળું પડે છે અને દુષ્કાળની સ્થિતિ સર્જાય છે. જો કે, વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ વખતે ચારેય બાજુના સમુદ્રો ગરમ છે, તેથી હવામાનનો મિજાજ જૂની પેટર્ન ફોલો કરશે કે કોઈ નવો રંગ બતાવશે, તે અંગે અત્યારે ચોક્કસ કંઈ કહી શકાય નહીં.





