Supreme Court : દેશની સર્વોચ્ચ અદાલત, સુપ્રીમ કોર્ટે દેશના નાગરિકોના હિતમાં એક ખૂબ જ મહત્વનો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ફૂટપાથ પર સુરક્ષિત રીતે ચાલવું એ કોઈ સામાન્ય બાબત નથી, પરંતુ નાગરિકોનો મૌલિક એટલે કે મૂળભૂત અધિકાર છે. સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર સરકારને તાત્કાલિક નવો કાયદો બનાવવાની પણ સૂચના આપી છે, જેથી સ્થાનિક નગર નિગમો અને મહાનગરપાલિકાઓની જવાબદારી નક્કી કરી શકાય.
વાહનો કરતાં પગપાળા ચાલનારાઓનો હક મોટો
જસ્ટિસ પી.એસ.નરસિમ્હા અને અતુલ એસ. ચંદુરકરની બેંચે આ ચુકાદો આપતી વખતે બંધારણનો હવાલો આપ્યો હતો. તેમણે કહ્યું કે ભારતીય બંધારણના આર્ટિકલ 19(1)(d) અને આર્ટિકલ 21 હેઠળ લોકોને મુક્તપણે હરવા-ફરવાનો જે અધિકાર મળ્યો છે, તેમાં પગપાળા ચાલવાનો પણ સમાવેશ થાય છે. કોર્ટે કડક શબ્દોમાં કહ્યું કે રસ્તા પર દોડતા મોટા વાહનો કરતાં પગપાળા ચાલતા લોકોનો હક વધુ મોટો અને મહત્વનો છે. જો કોઈ વહીવટી તંત્ર આ અધિકારનું ઉલ્લંઘન કરશે, તો નાગરિકો કાયદાકીય પગલાં ભરીને વળતર માંગી શકશે.
આ પણ ખાસ વાંચો : કર્ણાટકમાં BJP ધારાસભ્યોના ક્રોસ વોટિંગથી હાઈકમાન નારાજ : 3 દિગ્ગજ નેતાઓને દિલ્હી તેડાવ્યા; MLC ચૂંટણીમાં રમાઈ ગયો ખેલ!
સુપ્રીમ કોર્ટે તંત્રની લીધી ઝાટકણી
રસ્તાઓ બનાવતી એજન્સીઓ પર નારાજગી વ્યક્ત કરતા કોર્ટે નોંધ્યું કે, હાલમાં આપણું નગર પ્રશાસન માત્ર વાહનો સરળતાથી ચાલી શકે તેવા રસ્તાઓ બનાવવામાં જ વ્યસ્ત છે. આ પ્રક્રિયામાં પગપાળા ચાલનારા લોકોને સાવ કિનારે ધકેલી દેવાયા છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે રસ્તા બનાવવાની સાથે જ પગપાળા ચાલતા મુસાફરો માટે સારા ફૂટપાથ બનાવવાની જવાબદારી શહેરી વિકાસ સત્તામંડળ, મહાનગરપાલિકાઓ અને પંચાયતોની છે અને હવે આ બાબતમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં.
આ પણ ખાસ વાંચો : જન્મદિવસે રાહુલ ગાંધીને PM મોદીની શુભેચ્છા : 56 વર્ષના થયા રાહુલ ગાંધી, તેમના જીવનની આ વાતો ઘણા લોકોને નથી ખબર
5 વર્ષના માસૂમ બાળકના મોતનો કિસ્સો
સુપ્રીમ કોર્ટનો આ મોટો નિર્ણય વર્ષ 2016માં બનેલી એક અત્યંત દુઃખદ માર્ગ અકસ્માતની ઘટનાના કેસની સુનાવણી દરમિયાન આવ્યો છે. શાળાએ જઈ રહેલા એક 5 વર્ષના માસૂમ બાળકને પાછળથી આવતા એક સ્પીડમાં જતા ટેન્કરે ટક્કર મારી દીધી હતી, જેમાં તે બાળકનું કરુણ મોત નીપજ્યું હતું. જે રસ્તા પર આ ભયાનક અકસ્માત થયો હતો ત્યાં પગપાળા ચાલવા માટે કોઈ ફૂટપાથ કે રોડ ક્રોસિંગની કોઈ જ વ્યવસ્થા ઉપલબ્ધ ન હતી.
આ પણ ખાસ વાંચો : જમ્મુ-કાશ્મીર પોલીસની કાર્યવાહી : કિશ્તવાડમાં આતંકવાદીઓના 2 મદદગારોની ધરપકડ
વળતરની રકમમાં મોટો વધારો કરાયો
આ અકસ્માતના કેસમાં મોટર એક્સિડન્ટ ક્લેમ્સ ટ્રિબ્યુનલે (MACT) શરૂઆતમાં 7.82 લાખ રૂપિયાનું વળતર મંજૂર કર્યું હતું, પરંતુ હાઈકોર્ટે આ રકમને ઘટાડીને માત્ર 4.70 લાખ રૂપિયા કરી દીધી હતી. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આ નિર્ણયને સંપૂર્ણપણે ભૂલભરેલો ગણાવ્યો હતો. સર્વોચ્ચ અદાલતે માનવતા અને ન્યાયને ધ્યાનમાં રાખીને વળતરની રકમ વધારીને 11,44,628 રૂપિયા કરી દીધી છે. આ સાથે જ વીમા કંપનીને આદેશ આપ્યો છે કે આગામી 2 મહિનાની અંદર આ આખી રકમ પીડિત પરિવારને ચૂકવી દેવામાં આવે.





