કોલકાતાની ચર્ચિત RG Kar મેડિકલ કોલેજ અને હોસ્પિટલ રેપ-મર્ડર કેસમાં કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI)એ તપાસ વધુ તેજ બનાવી છે. શુક્રવારે CBIએ કોલકાતા પોલીસના બે પૂર્વ ડેપ્યુટી કમિશનરોની કલાકો સુધી પૂછપરછ કરી અને મહત્વપૂર્ણ દસ્તાવેજો એકત્રિત કર્યા. તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે શું કેસના શરૂઆતના તબક્કામાં પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ થયો હતો અથવા વાસ્તવિક આરોપીઓને બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.
CBIના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ પૂર્વ ડેપ્યુટી કમિશનર ઇન્દિરા મુખર્જી અને અભિષેક ગુપ્તાને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. બંને અધિકારીઓ કોલકાતા પોલીસના સેન્ટ્રલ અને નોર્થ ડિવિઝનમાં જવાબદારી સંભાળતા હતા. તપાસ એજન્સી હવે તેમની ભૂમિકા અને કેસની શરૂઆતની તપાસ દરમિયાન લેવાયેલા નિર્ણયોનું વિશ્લેષણ કરી રહી છે.
પૂર્વ પોલીસ કમિશનર વિનિત ગોયલ પણ તપાસના રડાર પર
CBIએ કોલકાતા પોલીસના પૂર્વ કમિશનર વિનિત ગોયલને પણ આગામી સપ્તાહે હાજર રહેવા માટે જણાવ્યું છે. ગોયલ, મુખર્જી અને ગુપ્તા – ત્રણેય અધિકારીઓને તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
રાજ્યમાં સત્તા પરિવર્તન બાદ કેસની ફરીથી સમીક્ષા શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા આ ત્રણ વરિષ્ઠ IPS અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તેમના પર આરોપ છે કે ગુનાની શરૂઆતની તપાસ દરમિયાન બેદરકારી અને ફરજમાં ગંભીર ખામી રહી હતી.
CBI ના અધિકારીઓ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ઘટનાની રાતથી લઈને પીડિતાના અંતિમ સંસ્કાર સુધીના સમયગાળામાં શું-શું નિર્ણયો લેવામાં આવ્યા અને તેમાં કોઈ ગેરરીતિ તો નહોતી ને?
આ પણ વાંચો: SCનો ઐતિહાસિક ચુકાદો, "ફૂટપાથ પર ચાલવું નાગરિકોનો મૌલિક અધિકાર" : કેન્દ્ર સરકાર બનાવશે નવો કાયદો, નાગરિકોને મળશે સુરક્ષિત ફૂટપાથ
પુરાવા દબાવવાનો પ્રયાસ થયો હતો?
તપાસ સાથે સંકળાયેલા અધિકારીઓનું કહેવું છે કે હાલમાં સૌથી મહત્વનો સવાલ એ છે કે શું કોઈએ પુરાવા દબાવવાનો અથવા તપાસને અન્ય દિશામાં વાળવાનો પ્રયાસ કર્યો હતો.
CBI ના જણાવ્યા અનુસાર, કેસના દરેક પગલાની સમીક્ષા કરવામાં આવી રહી છે. ઘટના બાદ પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી, હોસ્પિટલ તંત્રની ભૂમિકા, પુરાવા એકત્રિત કરવાની પ્રક્રિયા અને અંતિમ સંસ્કાર સંબંધિત નિર્ણયો – તમામ મુદ્દાઓ તપાસના કેન્દ્રમાં છે.
અધિકારીએ જણાવ્યું કે જો તપાસ દરમિયાન પુરાવા છુપાવવા, નષ્ટ કરવા અથવા તપાસને પ્રભાવિત કરવાનો પ્રયાસ થયો હોવાનું બહાર આવશે તો સંબંધિત વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
અંતિમ સંસ્કારને લઈને પણ સવાલો
CBI એ અગાઉ પૂર્વ પાનિહાટી ધારાસભ્ય નિર્મલ ઘોષ અને સ્મશાનગૃહના ઇન્ચાર્જ ભોલાનાથ પાત્રાની પણ પૂછપરછ કરી હતી.
તપાસકર્તાઓએ ખાસ કરીને પીડિતાના અંતિમ સંસ્કારની પ્રક્રિયા વિશે માહિતી મેળવી હતી. તપાસ એજન્સી જાણવા માંગે છે કે અંતિમ સંસ્કાર કયા સંજોગોમાં કરવામાં આવ્યા અને તેમાં કોઈ અસામાન્ય બાબત હતી કે નહીં.
જોકે સ્મશાનગૃહના અધિકારીઓએ CBIને જણાવ્યું છે કે પીડિતાના માતા-પિતાની સંમતિ બાદ જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા."
આ પણ વાંચો: કર્ણાટકમાં BJP ધારાસભ્યોના ક્રોસ વોટિંગથી હાઈકમાન્ડ નારાજ : 3 દિગ્ગજ નેતાઓને દિલ્હી તેડાવ્યા; MLC ચૂંટણીમાં રમાઈ ગયો ખેલ!
શું હતો RG Kar કેસ?
આ કેસ 8 ઓગસ્ટ 2024ની રાત્રે સામે આવ્યો હતો, જ્યારે RG Kar મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં નાઇટ ડ્યૂટી પર રહેલી એક પોસ્ટગ્રેજ્યુએટ ટ્રેની ડોક્ટર પર હોસ્પિટલના સેમિનાર હોલમાં બળાત્કાર અને હત્યા કરવામાં આવી હોવાનો આરોપ સામે આવ્યો હતો.
ઘટના બાદ કોલકાતા પોલીસે સિવિક વોલન્ટિયર સંજય રોયની ધરપકડ કરી હતી. બાદમાં કેસની ગંભીરતા અને જાહેર આક્રોશને ધ્યાનમાં રાખીને કોલકાતા હાઈકોર્ટે તપાસ CBIને સોંપવાનો આદેશ આપ્યો હતો.
CBIએ તપાસ હાથમાં લીધા બાદ કોઈ વધારાની ધરપકડ કરી નહોતી. જોકે સ્થાનિક અદાલતે સંજય રોયને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી.
પીડિતાના પરિવારનો દાવો હજુ યથાવત
કેસમાં મહત્વનો વળાંક ત્યારે આવ્યો જ્યારે પીડિતાના માતા-પિતાએ સતત એવો દાવો કર્યો કે ગુનામાં માત્ર એક વ્યક્તિ સામેલ ન હતી. તેમના મતે સમગ્ર ઘટનાની પાછળ એક મોટી સાજિશ હોઈ શકે છે અને તમામ જવાબદાર લોકો હજુ સુધી કાયદાની પકડમાં આવ્યા નથી.
પરિવાર લાંબા સમયથી કેસની સંપૂર્ણ સત્યતા બહાર લાવવાની માંગ કરી રહ્યો છે. આ જ કારણ છે કે સત્તા પરિવર્તન બાદ કેસને ફરીથી ખોલવામાં આવ્યો અને નવી દિશામાં તપાસ શરૂ કરવામાં આવી.
રાજકીય દબાણની પણ તપાસ
CBI હવે એક અન્ય મહત્વપૂર્ણ પાસાની પણ તપાસ કરી રહી છે. તપાસ એજન્સી એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ઘટનાના સમયે કોઈ વરિષ્ઠ રાજકીય વ્યક્તિ દ્વારા સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓને ફોન કોલ અથવા સંદેશાઓ મારફતે સૂચનાઓ આપવામાં આવી હતી કે નહીં.
જો આવા કોઈ પુરાવા સામે આવશે તો કેસનો વ્યાપ વધુ મોટો બની શકે છે. હાલ CBI ફોન રેકોર્ડ્સ, ડિજિટલ કોમ્યુનિકેશન અને સંબંધિત દસ્તાવેજોની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: ઉકળવા લાગ્યો સમુદ્ર... 1982, 1997 અને 2015ના રેકોર્ડ પણ તૂટી જશે! : નવા ડેટાએ અલ નીનોને લઈને વધારી ચિંતા
આગળ શું?
RG Kar કેસ પહેલેથી જ દેશના સૌથી ચર્ચિત અને સંવેદનશીલ ગુનાકીય કેસોમાંનો એક ગણાય છે. સંજય રોયને સજા મળી ચૂકી હોવા છતાં કેસને લઈને અનેક સવાલો હજુ બાકી છે.
હવે CBIની નવી કાર્યવાહી એ દિશામાં સંકેત આપે છે કે એજન્સી માત્ર મૂળ ગુનાની જ નહીં પરંતુ તપાસ દરમિયાન થયેલી સંભવિત ગેરરીતિઓની પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આગામી દિવસોમાં પૂર્વ પોલીસ કમિશનર વિનિત ગોયલની પૂછપરછ અને અન્ય અધિકારીઓના નિવેદનો કેસમાં વધુ મહત્વપૂર્ણ ખુલાસા કરી શકે છે.





