સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં પસાર થતી ભોગાવો નદી પર કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા રિવરફ્રન્ટ હાલ બિનઉપયોગી સાબિત થયો છે. રિવરફ્રન્ટનું કામ પૂર્ણ થઈ ગયું હોવા છતાં આગળ જઈ બહાર નીકળવાનો કોઈ રસ્તો ન હોવાના કારણે આ સમગ્ર પ્રોજેક્ટ પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. સુરેન્દ્રનગર, વઢવાણ, દુધરેજ અને જોરાવરનગર શહેરોની વચ્ચે ભોગાવો નદી પસાર થાય છે. આ વિસ્તારમાં મુખ્ય માર્ગ પર ભારે ટ્રાફિકનો દબાણ રહેતું હોવાથી શહેરનો ટ્રાફિક હળવો કરવા તેમજ શહેરીજનોને હરવા-ફરવાનું સુવિધાજનક સ્થળ મળે તે હેતુથી સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરી રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો હતો. શરૂઆતમાં શહેરીજનોમાં આશા જાગી હતી કે હવે ટ્રાફિકની સમસ્યા ઘટશે અને પરિવાર સાથે ફરવા માટે એક સુંદર સ્થળ મળશે.
ભોગાવો નદી પર બનેલો કરોડોનો રિવરફ્રન્ટ બિનઉપયોગી
મનપાના ઇજનેરોની અણઆવડત કે આયોજનની ખામી કહો, રિવરફ્રન્ટ તો તૈયાર થઈ ગયો પરંતુ આગળ જતા આ માર્ગ ક્યાં બહાર નીકળશે તેની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. છેલ્લા અંદાજે છ મહિનાથી નવો બનાવાયેલ રિવરફ્રન્ટ તૈયાર હાલતમાં છે, પરંતુ રસ્તો અચાનક પૂર્ણ થઈ જતાં વાહનવ્યવહાર આગળ જઈ શકતો નથી. પરિણામે કરોડોના ખર્ચે બનેલો આ રિવરફ્રન્ટ હાલ શહેરીજનો માટે બિનઉપયોગી બની ગયો છે. જ્યારે સરકારે રિવરફ્રન્ટ બનાવવાની જાહેરાત કરી હતી ત્યારે સુરેન્દ્રનગર, દુધરેજ, વઢવાણ અને જોરાવરનગરના લોકોને મોટી આશા બંધાઈ હતી. લોકોને લાગ્યું હતું કે શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા હળવી થશે અને શહેરીજનોને એક નવી સુવિધા મળશે. તેઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે જો રિવરફ્રન્ટ આગળ જઈ બહાર નીકળતો જ ન હોય તો કરોડો રૂપિયાનો ખર્ચ કરવાની જરૂર શું હતી? વાહનવ્યવહાર કઈ દિશામાં જશે તે બાબત બનાવનાર ઇજનેરોને ખબર નહોતી કે શું?
બહાર નીકળવાનો રસ્તો ન હોવાથી શહેરીજનોમાં રોષ
બીજી તરફ મનપાના ઇજનેરો દ્વારા એવો લુલો બચાવ કરવામાં આવી રહ્યો છે કે એસ ટી નિગમને પત્ર લખી એસ.ટી. બસ સ્ટેન્ડમાંથી રસ્તો કાઢવાની યોજના બનાવાઈ છે. જોકે જો બસ સ્ટેન્ડમાંથી માર્ગ કાઢવામાં આવે તો અકસ્માતોની સંભાવના પણ નકારી શકાતી નથી, જેને લઈને શહેરીજનોમાં વધુ ચિંતા જોવા મળી રહી છે. હાલ રિવરફ્રન્ટ તૈયાર છે, પરંતુ તેનો ઉપયોગ શહેરીજનો કરી શકતા નથી. હવે લોકો નવી રિવરફ્રન્ટ સુવિધાઓની રાહ જોઈ રહ્યા છે અને મનપા શહેરીજનોને આ સુવિધા ક્યારે પૂરી પાડશે તે જોવાનું બાકી છે.





















