રાજકોટ નજીક ઈશ્વરિયામાં 22 માર્ચે કડવા પાટીદાર સમાજનું વિશાળ મહાસંમેલન યોજાયું, જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. “પરંપરા અને પરિવર્તન” થીમ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજના બંધારણ, સંસ્કાર અને આધુનિક સમયમાં આવતા બદલાવ અંગે ચર્ચા કરવામાં આવી. આ સાથે આશરે રૂ.125 કરોડના ખર્ચે બનનારા જીવન વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું.
પરસોતમ રૂપાલા કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં કહ્યું "આપણી કુળદેવીની ઉપાસના કરતી વખતે આપણી માંગણી જુઓ તમે... રિદ્ધિ દે, સિદ્ધિ દે, અષ્ટ નવ નિધિ દે, વંશમાં વૃદ્ધિ દે, કુટુંબ સો પ્રીત દે, સજ્જન સો હિત દે... પણ નામાચરણમાં જે છેલ્લી લીટી છે ને એ ખૂબ અગત્યની છે. માતાજી પાસે આપણે માંગણી શું કરી છે? 'જંગમાં જીત દે માં ભવાની' આ આપણી માંગણી છે.
"જંગ માટે આપણે તૈયાર થવું જોઈએ" - પરસોત્તમ રૂપાલા
પરસોત્તમ રૂપાલાએ આગળ જણાવ્યું "આપણે એવી માંગણી ન કરી શકીએ કે માં જંગ જ ન આવવો જોઈએ? અમે ઊભા હોય ત્યાં જંગ જ ન થવો જોઈએ, એમ ન ચાલે? માતાજી છે, બધું કરવા સમર્થ છે પણ એવી માંગણી નથી કરી. આપણા વડીલોએ માંગણી એવી કરી છે કે માં જંગમાં જીત દે માં ભવાની. જંગ તો અમે લડશું પણ જીત દેવાની જવાબદારી તારી છે અને માં હંમેશા આપણને જીત આપે છે એવી આપણી શ્રદ્ધા છે એટલે જંગ માટે આપણે તૈયાર થવું જોઈએ."
"ઘણા બધા વિષયો એ તો હવે ભૂતકાળ બની ગયા" - પરસોત્તમ રૂપાલા
"જંગ માટે તૈયાર થતી વખતે આપણા મગજમાં વિચારો હોવા જોઈએ અને મારે તો જેમણે આ ટાઈટલ બનાવ્યું હોય એને અભિનંદન આપવા છે. 'પરંપરા અને પરિવર્તન'. પરંપરાનું સ્મરણ થવું જોઈએ આપણને કે આપણી પરંપરાઓ કઈ હતી? સામાન્ય રીતે ઘણા બધા વિષયો એ તો હવે ભૂતકાળ બની ગયા પણ સ્મરણમાં રાખવા જેવી વાત અને જેના આપણે સુધારા કરવા માંગીએ છીએ એવા ત્રણ મુદ્દાઓ સમાજના લોકોએ ચિંતન કરીને રાખેલા છે: 1. લગ્ન વ્યવસ્થા અને સામાજિક પ્રસંગો, 2. કૌટુંબિક વ્યવસ્થાઓ અને 3. સમાધાન પંચ આ ત્રણ મુદ્દા આસપાસ આપણે ચર્ચા કરવાની આવશ્યકતા છે, એવું મોટું મોટું કોઈકે વિચાર્યું છે." એમ પુરસોત્તમ રૂપાલા બોલ્યા
વધુમાં પરસોત્તમ રૂપાલાએ કહ્યું, 'એમાંય કોઈકના મગજમાં એમ આવતું હોય કે આ વિષયની પણ ચર્ચા થવી જોઈએ, તો આપણા કાર્યાલયમાં એ તમારું સૂચન પહોંચી જાય એવી વ્યવસ્થા તમે કરજો. ઇલેક્ટ્રોનિક મીડિયાવાળા તો વોટ્સએપથી પણ કરી શકશે અને કાગળની ચિઠ્ઠી લખીને મોકલી શકે કે ભાઈ આ વિષય પણ આવવો જોઈએ. આ ત્રણ વિષયો ઉપર અત્યારે આપણું ફોકસ આપણે કરવાની આવશ્યકતા છે.'
"જમાવટ થઈ એટલે એ ચાલ્યું તે પછી પકડી લીધું" - પરસોત્તમ રૂપાલા
ત્યારે પરસોત્તમ રૂપાલાએ પ્રી વેન્ડિંગને ટાંકીને કહ્યું, "માનો કે આપણી આ પ્રી-વેડિંગ એ કંઈ આપણી જરૂરિયાત નહોતી, પણ અડોસ-પડોસમાંથી આપણે અપનાવી લીધું. હવે આ ફલાણાને ત્યાં થયું, જમાવટ થઈ એટલે એ ચાલ્યું તે પછી પકડી લીધું, ફલાણા ભાઈએ આમ કર્યું તો આપણે આમ કરવું. એટલે કેટલીક ચીજો આમ કેવી રીતે આવી જાય છે એનું મૂળ ગોતો તો ઘણી વખત રમુજ જેવુંય નીકળે કે આ એમ કરતાં કરતાં શરૂ થઈ ગયું હોય છે. મરણની એક પ્રક્રિયામાં મારો અનુભવ કહું, મારે એક જગ્યાએ જવાનું થયું..."




















