ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના દેવકુઈ ગામ નજીક વડોદરા હાઈવે પર આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલા એક સિમેન્ટ મિક્સર ટ્રકના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ સ્ટેન્ડ પાસે ઊભેલા શ્રમિક પરિવારને અડફેટે લીધો હતો. આ કરુણ ઘટનામાં 11 વર્ષની માસૂમ બાળકીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે પરિવારના અન્ય ત્રણ સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા છે.
ઘટનાની વિગત
મળતી માહિતી મુજબ, દાહોદ જિલ્લાનો એક શ્રમિક પરિવાર મજૂરી કામ અર્થે અહીં આવ્યો હતો. દેવકુઈ ગામના બસ સ્ટેન્ડ પાસે આ પરિવાર ઊભો હતો, ત્યારે બેફામ ગતિએ આવતા સિમેન્ટ મિક્સર ટ્રકે તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે 11 વર્ષીય બાળકી હેતલ છત્રાભાઈનું શરીર ટ્રક નીચે કચડાઈ જતાં તેનું સ્થળ પર જ પ્રાણપંખેરુ ઊડી ગયું હતું. ટ્રકે માત્ર આ પરિવારને જ નહીં, પરંતુ નજીકમાં આવેલી સેવ-ઉસળની એક દુકાન, એક ટ્રેક્ટર અને બે મોટરસાયકલને પણ પોતાની ઝપેટમાં લીધા હતા, જેના કારણે વાહનોનો કુરચો બોલી ગયો હતો.
ઈજાગ્રસ્તોની હાલત ગંભીર
આ અકસ્માતમાં મૃતક હેતલની બહેન, એક અન્ય બાળક અને એક મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જંબુસર પોલીસની ટીમ પણ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાંથી એક મહિલા અને બાળકની હાલત નાજુક જણાતા તેમને વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યા છે.
લોકોમાં રોષ અને પોલીસ કાર્યવાહી
અકસ્માત સર્જાયા બાદ ટ્રક ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે જ છોડીને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. હાઈવે પર બેફામ દોડતા ભારે વાહનોને કારણે સર્જાતા અકસ્માતોને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે હેતલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ આકસ્મિક ઘટનાને પગલે શ્રમિક પરિવારમાં માતમ છવાઈ ગયો છે અને સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી છે.




















