મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાની આંતરમાળખાકીય સુવિધાઓને વેગ આપતા અને જન સુખાકારીના રૂ. 700 થી વધુ કરોડના 24 વિકાસ કાર્યોનું લોકાર્પણ - ખાતમુહૂર્ત કર્યું હતું.
મુખ્યમંત્રીએ અમરેલી જિલ્લાની પ્રગતિને નવી દિશા આપતા પ્રજાલક્ષી વિકાસ કાર્યોની ભેટ આપી અમરેલી એ.પી.એમ.સી ખાતે વિશાળ જનસભા સંબોધી હતી. સાથે જ ખેડૂતોના ઉત્પાદનોના રક્ષણ માટે રૂ. 12 કરોડના ખર્ચે બે લાખ ચોરસ ફૂટમાં નિર્મિત "વિરાટ" શેડનું તકતી અનાવરણ કરી લોકાર્પણ કર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લાના વિકાસ માટે રાજ્ય સરકાર ઉદાર હાથે જોઈએ તેટલા નાણા આપશે. આ માટે જિલ્લાની વિકાસ કામોનું સુવ્યવસ્થિત આયોજન સાથે ગુણવત્તાયુક્ત કામ થાય તેની તકેદારી લઈ વિકાસ યાત્રાને આગળ ધપાવવા માટે અપીલ કરી હતી.
તેમણે ઉમેર્યું હતું કે, અમરેલી જિલ્લામાં ઔદ્યોગિક વિકાસ માટે એક નવી તત્પરતા પણ જોવા મળી રહી છે, તાજેતરમાં યોજાયેલી સૌરાષ્ટ્ર રીજનલ વાઇબ્રન્ટ સમિટમાં માત્ર અમરેલી જિલ્લાના વિકાસ માટે જુદા જુદા પ્રોજેક્ટમાં રોકાણ અર્થે આશરે 36,000 કરોડના એમ.ઓ.યુ પણ થયા છે. ઉપરાંત એક નવી જી.આઈ.ડી.સી પણ મંજુર કરવામાં આવી છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, જનપ્રતિનિધિઓએ ટીમ બનીને સુવ્યવસ્થિત વિકાસના કામોનું આયોજન કર્યું છે, તેના પરિણામે જ એક સાથે આટલા વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત થઈ રહ્યું છે. છેવાડાના માનવીને મુખ્ય પ્રવાહમાં જોડવા માટે આયોજનબદ્ધ વિકાસ કાર્યો થાય તે જરૂરી છે, સાથે જ શહેરોમાં જે સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે તેટલી જ ગ્રામ્ય વિસ્તારમાં આપવા માટે ભાર મૂક્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વથી સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય નાણાકીય વ્યવસ્થાપનમાં ટોચના સ્થાને છે, પરિણામે આજે ગુજરાતમાં નાણાંના અભાવે વિકાસનું કોઈપણ કાર્ય અટકતું નથી. મુખ્યમંત્રીએ વિકાસ કાર્યોને જમીન પર ઉતારવા માટે રાજ્ય સરકાર સંપૂર્ણ મદદ માટે પ્રતિબધ્ધ છે, સાથે જ તેમણે વિકાસ કાર્યો માટે જન પ્રતિનિધિઓમાં રહેલા ઉત્સાહને વધાવ્યો હતો. અમરેલી જિલ્લાના લોકો પાણી માટેની મુશ્કેલીઓની પરિસ્થિતિને સારી રીતે અવગત છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ભવિષ્યમાં પાણીનું સંકટ ન આવે તે માટે અત્યારથી જ જરૂરી આયોજન કરવામાં આવ્યું છે, સાથે જ "કેચ ધ રેઇન" અભિયાન અંતર્ગત વરસાદી પાણીને જમીનમાં ઉતારવા માટેના પણ કાર્યો થઈ રહ્યા છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વરસાદી પાણીના સંગ્રહ માટે ધારાસભ્યોને દર વર્ષે રૂ. 50 લાખની અલગથી ગ્રાન્ટ પણ આપવામાં આવી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2047 સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા વિકસિત ગુજરાતની નેમને ચરિતાર્થ કરવા સહિયારો પ્રયાસ કરવા પર મુખ્યમંત્રીએ ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન કરતા ઊર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા અમરેલી જિલ્લાને ઉદાર હાથે વિકાસકાર્યોની ભેટ આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની નોંધ સમગ્ર વિશ્વમાં લેવાઈ છે, તેમના નેતૃત્વમાં કંડારેલી વિકાસની કેડીને મુખ્યમંત્રી આગળ ધપાવી રહ્યા છે. આજે મુખ્યમંત્રીના હસ્તે આશરે રૂ. 270 કરોડથી વધુના ખર્ચે રિંગ રોડનું ખાતમુહૂર્ત થવાનું છે. મુખ્યમંત્રીએ અમરેલી રીવરફ્રન્ટ માટે રૂ. 50 કરોડના આયોજન સામે વધુ થતા ખર્ચને મંજૂર કરી રૂ. 70 કરોડની મંજૂરી આપી છે.
અમરેલીમાં મુખ્યમંત્રીએ આપેલા વિકાસકાર્યોની ભેટ થકી આગામી સમયમાં લાઠી રોડ, રેલવે ફાટક પર રૂ. 95 કરોડના ખર્ચે ઓવરબ્રીજ તૈયાર થશે. બાબાપુર માર્ગે રૂ. 35 કરોડના ખર્ચે કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ તૈયાર થવાની છે. વડિયા શહેર અને તાલુકાને પ્રથમ વિજ્ઞાન કોલેજની સુવિધા મળી છે. યુવાનો માટે રૂ.25 કરોડના ખર્ચે વિજ્ઞાન કેન્દ્ર અને રૂ. 16 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ તૈયાર થઈ રહ્યા છે. ગત બજેટમાં લાઇબ્રેરી માટે રૂ. 15 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. તાજેતરમાં જ વરસડા ખાતે રૂ. 35 કરોડના ખર્ચે પાણી પુરવઠાના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. થોડા સમય અગાઉ રાજ્યમાં થયેલા કમોસમી વરસાદના પગલે મુખ્યમંત્રીએ તાત્કાલિક ખેડૂતો માટે રૂ. 10,000 કરોડનું પેકેજ જાહેર કરી અને તાત્કાલિ સહાયતા જમા કરાવી હતી.
અમરેલી એ.પી.એમ.સી. પધારેલા નિકોલના ધારાસભ્ય જગદિશ વિશ્વકર્માએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરંભેલી અને મુખ્યમંત્રીએ આગળ ધપાવેલી વણથંભી વિકાસયાત્રા પૈકી સૌરાષ્ટ્રની પાયાની સમસ્યા પાણી અને સિંચાઈના વિકાસી ગાથા વર્ણવી હતી. આજે વડાપ્રધાનએ નર્મદાના નીર "સૌની યોજના"ના કેનાલ નેટવર્ક અને પાઇપલાઇન દ્વારા સૌરાષ્ટ્રની માતાઓ બહેનોનાં ઘર ઘર સુધી પહોંચાડ્યા છે. આ કડીના ભાગરૂપે 01 લાખથી વધુ ચેકડેમનું નિર્માણ થયું હતું. વડાપ્રધાનએ દેશની 10 કરોડ માતાઓ - બહેનોને ગેસના ચૂલા ઉજ્જવલા યોજના હેઠળ આપી અને તેમના સ્વાસ્થ્યની દરકાર કરી છે. વિકાસનો આ તમામ શ્રેય વડાપ્રધાનને અર્પણ છે.
આ પ્રસંગે મંત્રી ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રીનું ટાવરની પ્રતિકૃતિ આપી સન્માન કરવામાં આવ્યું હતું, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આંબરડી સફારી પાર્કની પ્રતિકૃતિ આપી મુખ્યમંત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું. ટીમ અમરેલી દ્વારા રામ મંદિર અને વિકાસગાથાને વર્ણવતી પ્રતિકૃતિ આપી મુખ્યમંત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અમરેલી ખાતે નિકોલના ધારાસભ્ય જગદિશ વિશ્વકર્માનું ટીમ અમરેલી વતી 1,11,111 નોટબૂકથી સ્વાગત કરવામાં આવ્યું હતું. વિશ્વકર્માએ આ નોટબૂકનું વિતરણ જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને કરવા માટે જણાવ્યું હતું.
આ કાર્યક્રમના અંતે એન.એલ.આર.એમ યોજનાના લાભાર્થી બહેનોને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને ચાવીની પ્રતિકૃતિ અર્પણ કરવામાં આવી હતી. જ્યારે પ્રાથમિક કૃષિ વિષયક ધીરાણ મંડળીઓને આર્થિક પ્રોત્સાહન આપતો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. જ્યારે 69 મી શાળાકીય રાષ્ટ્રીય કક્ષાની અંડર-19 હેન્ડબોલમાં ભાઈઓ અને બહેનોની ટીમના વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના પ્રારંભે મુખ્યમંત્રીઅને મહાનુભાવોએ દિવ્યાંજનોને ઈ-ટ્રાઇસીકલ અર્પણ કરી અને પ્રસ્થાન કરાવ્યું હતું. મુખ્યમંત્રીના આગમન પૂર્વે સાંસદ ભરત સુતરીયા, ધારાસભ્ય મહેશ કસવાલા અને સહકારી અગ્રણી પી.પી. સોજીત્રાએ પ્રસંગિક સંબોધન કર્યું હતું. તેમજ જિલ્લા કલેકટર વિકલ્પ ભારદ્વાજ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.




















