1xbet Money Laundering Case: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મની લોન્ડરિંગના મામલામાં પૂર્વ ક્રિકેટર સુરેશ રૈના અને શિખર ધવનની ₹11.14 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. ED એ સટ્ટેબાજી સાથે જોડાયેલા કેસમાં બંને પૂર્વ ક્રિકેટરો સામે આ કાર્યવાહી કરી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ED એ ઓનલાઈન સટ્ટાબાજી સાઇટ 1xBet વિરુદ્ધ કેસમાં ધવનની 4.5 કરોડ રૂપિયાની અચલ સંપત્તિ અને રૈનાના 6.64 કરોડ રૂપિયાના મ્યુચ્યુઅલ ફંડ્સ જપ્ત કરવા માટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કામચલાઉ આદેશ જારી કર્યો છે.
ED ની તપાસમાં જાણવા મળ્યું છે કે બંને પૂર્વ ક્રિકેટરોએ 1xBet અને તેના સરોગેટ્સને પ્રોત્સાહન આપવા માટે જાણી જોઈને વિદેશી સંસ્થાઓ સાથે જાહેરાત કરાર કર્યા હતા.
આ કેસની તપાસના ભાગ રૂપે, ED એ યુવરાજ સિંહ, રોબિન ઉથપ્પા, સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, મીમી ચક્રવર્તી અને અનુષ્કા હાજરા તેમજ આ બે પૂર્વ ક્રિકેટરોની પૂછપરછ કરી હતી.
આ તપાસ કથિત ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્લિકેશનો સાથે સંબંધિત છે જેના પર વ્યક્તિઓ અને ઇન્વેસ્ટરોને કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાનો અથવા મોટા પાયે ટેક્સ ચોરી કરવાનો આરોપ છે. કંપનીનો દાવો છે કે 1xBet એક વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત બુકમેકર છે જેને સટ્ટાબાજી ઉદ્યોગમાં 18 વર્ષથી વધુનો અનુભવ છે. તેના ગ્રાહકો હજારો રમતગમતની ઇવેન્ટ્સ પર સટ્ટો લગાવી શકે છે. કંપનીની વેબસાઇટ અને એપ્લિકેશન 70 ભાષાઓમાં ઉપલબ્ધ છે.





















